ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ વધ્યો, ફાયરિંગ કરી એકબીજાને વૉર્નિંગ આપી

25 October, 2022 09:13 AM IST  |  Seoul | Gujarati Mid-day Correspondent

બન્ને દેશોએ એકબીજા પર સીમાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ગઈ કાલે સવારે ખૂબ જ તનાવની સ્થિતિ સર્જાઈ હતી. ગઈ કાલે ઉત્તર કોરિયાનું જહાજ વિવાદિત દરિયાઈ સીમાને પાર કર્યા બાદ દક્ષિણ કોરિયાની મિલિટરીએ ચેતવણી માટે ફાયરિંગ કર્યું હતું, જેને કારણે જવાબમાં ઉત્તર કોરિયાએ પણ વૉર્નિંગ આપવા માટે ફાયરિંગ કર્યું હતું.

દક્ષિણ કોરિયાના જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે કહ્યું હતું કે ઉત્તર કોરિયાના વેપારી જહાજે બન્ને કોરિયા વચ્ચેની દરિયાઈ સીમાનો ભંગ કર્યો હતો. જોકે દક્ષિણ કોરિયાની નેવીએ વૉર્નિંગ આપતું ફાયરિંગ કરતાં એ ઉત્તર તરફ પાછું વળી ગયું હતું.

જોકે ઉત્તર કોરિયાની પીપલ્સ આર્મીએ દાવો કર્યો હતો કે દક્ષિણ કોરિયાના મિલિટરીના જહાજે ઘૂસણખોરી કરી હતી. જેને કારણે દેશના પશ્ચિમ કાંઠાથી ઉત્તર કોરિયાની પીપલ્સ આર્મીએ ચેતવણી આપવા દસ રાઉન્ડ્સ ફાયરિંગ કર્યું હતું.

આ દરિયાઈ સીમાનો વિવાદ બન્ને દેશો વચ્ચે ઘર્ષણનો મુદ્દો રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સ્થળે બન્ને કોરિયા વચ્ચે અનેક વખત ઘર્ષણ થયું છે.

તાજેતરમાં ઉત્તર કોરિયાએ અનેક મિસાઇલ પરીક્ષણ કરતાં તનાવમાં ખૂબ જ વધારો થયો હતો. જેને કારણે દક્ષિણ કોરિયા, જપાન અને પશ્ચિમી દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી.

દક્ષિણ કોરિયા અને અમેરિકાએ ઉત્તર કોરિયાના નેતા કિમ જૉન્ગ-ઉનને ચેતવણી આપતાં ઉત્તર કોરિયાએ એની લશ્કરી કવાયતમાં ખૂબ જ વધારો કર્યો છે.

વાસ્તવમાં ગઈ કાલે જ અમેરિકાના નાયબ વિદેશપ્રધાન વેન્ડી શેરમને ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલાં મિસાઇલનાં પરીક્ષણોને કારણે જપાન અને દક્ષિણ કોરિયાની સાથે વાતચીત કરી હતી અને એ જ દિવસે આ બન્ને કોરિયા વચ્ચે તણાવ વધ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં ઉત્તર કોરિયાએ ટૂંકી રેન્જની બેલિસ્ટિક મિસાઇલ ફાયર કરી હતી.

international news south korea north korea korea