બૅન્કો ખાલીખમ : તાલિબાનોએ લૂંટેલી કૅશ જમા કરાવવી પડી

18 September, 2021 10:17 AM IST  |  Kabul | Gujarati Mid-day Correspondent

તાલિબાનોની કાર્યવાહીને લીધે અફઘાનિસ્તાનમાં અર્થતંત્ર તદ્દન ખાડે ગયું છે અને લોકો બૅન્કોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં અને આ વિસ્તારમાં પણ કમર્શિયલ બૅન્ક સામાન્યતઃ ૧૦ ટકા જેટલી તેમની કૅપિટલ રોકડમાં રાખે છે. બાકીની રકમ લોકોને ધિરાણ માટે આપે છે, પરંતુ અફઘાનિસ્તાનની બૅન્કો ૫૦ ટકા જેટલા અફઘાની અને વિદેશી હૂંડિયામણ તેમની પાસે રાખે છે એથી બૅન્કિંગ ક્ષેત્ર સારી સ્થિતિમાં રહ્યું છે. તાલિબાનોની કાર્યવાહીને લીધે અફઘાનિસ્તાનમાં અર્થતંત્ર તદ્દન ખાડે ગયું છે અને લોકો બૅન્કોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. પરિણામે અફઘાનિસ્તાનની બૅન્કો પાસે પૈસા નથી, એટલું જ નહીં, એની સેન્ટ્રલ બૅન્કને તાલિબાનોએ ડૉલર ૧ કરોડ ૨૩ લાખ રોકડા તથા સોનું જમા કરાવી દીધું છે. આ બધું તેમણે ભૂતપૂર્વ સરકારના અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓનાં ઘરોમાંથી લૂંટીને મેળવ્યું હતું. આ મતા તેમણે અફઘાનિસ્તાન બૅન્કની તિજોરીમાં જમા કરાવી હતી. એમ ચીનની શિન્હુઆ ન્યુઝ એજન્સીએ એના એક નિવેદનમાં જણાવ્યું છે. ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાનના પદાધિકારીઓએ આ મિલકત તિજોરીમાં જમા કરાવી તેમની પારદર્શિતા સિદ્ધ કરી આપી છે એમ પણ એ ન્યુઝ-એજન્સીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ બૅન્કના કાર્યકારી ગવર્નર મોહમ્મદ ઇદ્રિસે અફઘાનિસ્તાનની કમર્શિયલ બૅન્કોમાં નાગરિકોએ મૂકેલી ડિપોઝિટની સલામતીની પૂરી ખાતરી આપી છે.

international news afghanistan taliban kabul