વિચિત્ર રોગને કારણે બાળકીને રોજ ૧૨ કલાક રહેવું પડે છે બ્લુ લાઇટમાં

15 October, 2012 05:29 AM IST  | 

વિચિત્ર રોગને કારણે બાળકીને રોજ ૧૨ કલાક રહેવું પડે છે બ્લુ લાઇટમાં



અમેરિકાની ૯ વર્ષની એક બાળકીને લિવરનું ભાગ્યે જ જોવા મળે એવું કૅન્સર છે અને આ બીમારીને કારણે તેને દરરોજ ઓછામાં ઓછા ૧૨ કલાક બ્લુ રંગની અલ્ટ્રાવાયલેટ લાઇટમાં રહેવું પડે છે. બ્રિયાના મિનિચ નામની આ બાળકી રાત્રે બ્લુ લાઇટમાં જ ઊંઘી જાય છે. પેન્સિલવેનિયા સ્ટેટના વાઇટહૉલ નામના શહેરમાં રહેતી બ્રિયાનાની ચામડી કૅન્સરને કારણે યલો કલરની થઈ જાય છે એટલું જ નહીં, સામાન્ય પ્રકાશ હેઠળ વધુ સમય રહેવાથી તેના મગજને પણ નુકસાન પહોંચી શકે છે. આ નુકસાન રોકવા માટે તેને સમયાંતરે બ્લુ લાઇટમાં રહેવું પડે છે. સામાન્ય બીમારી, ઈજા કે તનાવને કારણે પણ તેની સ્કિન અને આંખો પીળી પડી જાય છે.

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે બ્રિયાના ક્રિગલર-નાજર નામના લિવર કૅન્સર સિન્ડ્રૉમથી પીડાઈ રહી છે. વિશ્વમાં માત્ર ૨૦૦ જેટલી વ્યક્તિ જ આ સિન્ડ્રૉમનો ભોગ બનેલી છે. આ સિન્ડ્રૉમને કારણે તેના લોહીમાં બિલિરબીન નામના નકામા તત્વનું પ્રમાણ વધી જાય છે. જોકે અલ્ટ્રાવાયલેટ પ્રકાશને કારણે તેનું પ્રમાણ નિયંત્રિત રહે છે. બ્રિયાના જ્યારે માત્ર અઢી અઠવાડિયાંની હતી ત્યારે તે આ સિન્ડ્રૉમથી પીડાઈ રહી હોવાનું નિદાન થયું હતું. હવે તે દરરોજ ચાર ફૂટ લાંબી અલ્ટ્રાવાયલેટ લાઇટના તીવ્ર પ્રકાશ હેઠળ સૂઈ જાય છે. આ પ્રકાશ તેને મદદરૂપ બને છે, પણ જેમ-જેમ ઉંમર વધતી જશે એમ તેને વધુ સમય આ લાઇટ હેઠળ ગાળવો પડશે.