શનિ ગ્રહના ચંદ્ર ટાઇટન પર ૪૦૦ કિલોમીટર લાંબી નદી મળી આવી

19 December, 2012 03:27 AM IST  | 

શનિ ગ્રહના ચંદ્ર ટાઇટન પર ૪૦૦ કિલોમીટર લાંબી નદી મળી આવી



અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન (નાસા-ફ્ખ્લ્ખ્)ના વિજ્ઞાનીઓએ શનિ ગ્રહના ટાઇટન નામના ચંદ્ર (ઉપગ્રહ) પર પૃથ્વી પરની નાઇલ નદી જેવી વિશાળ નદી શોધી કાઢી છે. સૂર્યમંડળમાં પૃથ્વી બાદ ટાઇટન એકમાત્ર એવો ઉપગ્રહ છે જેના પર વિશાળ સાગર અને નદીઓ છે. પૃથ્વીની જેમ જ ટાઇટન પર પણ વરસાદ પડે છે અને સરોવરો આવેલાં છે. જોકે આ સરોવરો પાણી નહીં પણ મિથેનનાં અનેક સ્વરૂપોનાં બનેલાં હોય છે. નાસાના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે ટાઇટન પર મળી આવેલી નદીની લંબાઈ ૪૦૦ કિલોમીટર કરતાં પણ લાંબી છે. જેની સરખામણીએ પૃથ્વી પરની નાઇલ નદીની લંબાઈ ૬૭૦૦ કિલોમીટર છે.

નાસાના કેસિની મિશન દ્વારા ટાઇટન પરની નદીની તસવીરો મોકલવામાં આવી હતી. શનિ ગ્રહના ચંદ્ર પર અત્યાર સુધી મળી આવેલી આ સૌથી લાંબી નદી છે.