ન્યુઝ શોર્ટમાં : ચીનમાં ઍન્ટિજન કિટ્સ અને દવા ખરીદવા માટે પડાપડી

07 December, 2022 09:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઈરાનમાં મૉરૅલિટી પોલીસ યુનિટ બંધ કરાયો હોવાની વાતો માત્ર અફવા અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

ચીનમાં ઍન્ટિજન કિટ્સ અને દવા ખરીદવા માટે પડાપડી

બીજિંગ : ચીનમાં લોકોના ભારે આક્રોશને કારણે કોરોના ફેલાતો રોકવા માટેનાં આકરાં નિયંત્રણો તો હળવાં કરવામાં આવ્યાં છે, પરંતુ એની સાથે ચિંતા અને ભય વધી ગયાં છે. હવે ચીનમાં કોવિડ-19 ઍન્ટિજન કિટ્સ તેમ જ તાવ અને શરદી-ખાંસી માટેની દવા મેળવવા માટે પડાપડી થઈ રહી છે. લોકોને હવે કોરોનાનો ભય લાગી રહ્યો છે. ઑનલાઇન મેડિસિન પ્લૅટફૉર્મ્સ, ફાર્મસી સ્ટોર અને દવાઓની કંપનીઓના વેચાણમાં તાજેતરમાં વધારો થયો છે. ૨૮ નવેમ્બરથી ચોથી ડિસેમ્બર દરમ્યાન એના પહેલાંના અઠવાડિયાની સરખામણીમાં ઍન્ટિજન ટેસ્ટ કિટ્સના વેચાણમાં ૩૪૪ ટકાનો વધારો થયો હોવાનું ફાર્મસી પ્રોડક્ટ્સ માટેના ઈ-કોમર્સ પ્લૅટફૉર્મ જેડી હેલ્થે જણાવ્યું હતું. 

 

ચીન શા માટે વિદેશોમાં ગેરકાયદે પોલીસ સ્ટેશનો શરૂ કરે છે?

વૉશિંગ્ટન : ચીને દુનિયાના જુદા-જુદા દેશોમાં ૧૦૦થી વધારે પોતાનાં પોલીસ-સ્ટેશન શરૂ કર્યાં હોવાનું થોડા સમય પહેલાં બહાર આવ્યું હતું. હવે એક અમેરિકન મીડિયા રિપોર્ટમાં આ પોલીસ-સ્ટેશન શરૂ કરવાનું કારણ આપવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગેરકાયદે પોલીસ-સ્ટેશનો દ્વારા ચીન વિદેશોમાં રહેતા ચાઇનીઝ નાગરિકો પર નજર રાખે છે. એટલું જ નહીં, આ પોલીસ-સ્ટેશનોનું કામ ચાઇનીઝ નાગરિકોને પરેશાન કરવાનું અને જરૂર પડે તેમને પાછા ચીનમાં લાવવાનું પણ છે. 

 

ઈરાનમાં મૉરૅલિટી પોલીસ યુનિટ બંધ કરાયો હોવાની વાતો માત્ર અફવા

પૅરિસ : લોકોના ભારે વિરોધના પગલે ઈરાનમાંથી મૉરૅલિટી પોલીસ યુનિટ બંધ કરવામાં આવ્યો હોવાના દાવાને પ્રદર્શનકારીઓએ ખોટો ગણાવ્યો છે તેમ જ ઈરાનમાં મહિલાઓના અધિકારોમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી. પ્રદર્શનકારીઓએ આપેલા ત્રણ દિવસના રાષ્ટ્રવ્યાપી બંધના એલાનને પગલે ઈરાનનાં ઘણાં શહેરમાં દુકાનો બંધ થઈ રહી હતી. બાવીસ વર્ષની કુર્દીશ યુવતી મહસા અમિનીની કસ્ટડીમાં થયેલા મોત બાદ સમગ્ર દેશમાં હિજાબના વિરોધમાં છેલ્લા ત્રણ મહિનાથી વિરોધ-આંદોલન થઈ રહ્યાં છે. તોફાનીઓના ડરને કારણે ઈરાનમાં દુકાનો બંધ રહી હોવાનો દાવો સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઈરાનમાં મહિલાઓ અને યુવતીઓની હાલતમાં સુધારો કરવા માટે ઈરાનમાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યાં નથી. 

 

હવે પેપ્સિકો મોટા પાયે કર્મચારીઓની છટણી કરશે

વૉશિંગ્ટન : છટણી કરનારી જાયન્ટ કંપનીઓમાં હવે પેપ્સિકો સામેલ થઈ છે. એક રિપોર્ટ અનુસાર પેપ્સિકો એના કેટલાંક હેડ ક્વૉર્ટર્સમાંથી કર્મચારીઓની હકાલપટ્ટી કરવા જઈ રહી છે. પેપ્સિકો કર્મચારીઓની મોટા પાયે હકાલપટ્ટી કરશે એ સૂચવે છે કે ટેક્નૉલૉજી અને મીડિયા સિવાયની કૉર્પોરેટ કંપનીઓ પણ ખર્ચા ઘટાડવા જઈ રહી છે. પેપ્સિકોની આ છટણીની અસર નૉર્થ અમેરિકાના બેવરેજિસ, સ્નૅક્સ અને પૅકેજ્ડ ફૂડ બિઝનેસ પર પડશે.

 

લખીમપુર હિંસાઃ કેન્દ્રીય પ્રધાનના પુત્ર સામે આરોપ ઘડાયા

લખીમપુર ખૈરી : આંદોલન કરી રહેલા ખેડૂતોને કચડી મારવાના લખીમપુર કેસમાં ગઈ કાલે સ્થાનિક કોર્ટે કેન્દ્રીય પ્રધાન અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ તેમ જ અન્ય ૧૨ લોકો સામે ગુનાહિત કાવતરું ઘડવાના આરોપ મૂક્યા હતા. તમામ આરોપીઓ અત્યારે જેલમાં છે. ૨૦૨૧ની ત્રીજી ઑક્ટોબરે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની આ વિસ્તારની મુલાકાત સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ફાટી નીકળેલી હિંસામાં આઠ જણ માર્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસે કરેલી ફરિયાદ મુજબ ચાર ખેડૂતોને એક એસયુવીની નીચે કચડવામાં આવ્યા હતા, જેમાં આશિષ મિશ્રા બેઠો હતો. 

national news international news