News In Short : બંગાળ ભીંજાયું

10 May, 2022 10:32 AM IST  |  New Delhi | Agency

ચક્રવાત અસાની બંગાળની ખાડીના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં વરસાદ પડ્યો હતો.

કલકત્તામાં ગઈ કાલે વરસાદમાં છત્રીથી પોતાની જાતને કવર કરીને ચાલી રહેલી મહિલાઓ.

કલકત્તામાં ગઈ કાલે વરસાદમાં છત્રીથી પોતાની જાતને કવર કરીને ચાલી રહેલી મહિલાઓ. ચક્રવાત અસાની બંગાળની ખાડીના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં વરસાદ પડ્યો હતો.

યુકેમાં ગાંધીજીની અંગત વસ્તુઓનું ૪.૭૪ કરોડમાં વેચાણ થશે

લાકડાનાં સૅન્ડલ્સ અને એક ખાસ ફોટો સહિત મહાત્મા ગાંધીની કેટલીક અંગત વસ્તુઓની યુકેમાં ઑનલાઇન હરાજી થશે. આ ખાસ ફોટો તેમની હયાતીમાં લેવામાં આવેલો તેમનો અંતિમ ફોટોગ્રાફ હોવાનું મનાય છે. બાપુની કુલ ૭૦ વસ્તુઓની હરાજી થશે, જેમાંથી ૪.૭૪ કરોડ રૂપિયા એકત્ર થવાની અપેક્ષા છે. આ લિસ્ટમાં સૌથી મહત્ત્વની વસ્તુ જેલવાસમાં તેમણે લખેલા પત્રો અને તેમનાં સૅન્ડલ્સની બે જોડી છે. 
ઈસ્ટ બ્રિસ્ટલ ઑક્શન્સના હાથે આ ઑનલાઇન વેચાણ ૨૧ મેએ પૂરું થશે. આ ઑક્શન હાઉસે ૨૦૨૦માં ગાંધીજીનાં ચશ્માં ૨.૬૦ લાખ પાઉન્ડ (૨.૪૮ કરોડ રૂપિયા)માં વેચ્યાં હતાં. 

યુક્રેનના યુદ્ધ સંબંધે જાહેરાતની અપેક્ષા હતી, પણ પુતિને કર્યો વૉરનો બચાવ 

યુક્રેનના યુદ્ધ માટે અમેરિકા અને યુરોપને જવાબદાર ગણાવીને રશિયન પ્રેસિડન્ટે જણાવ્યું કે મિલિટરી કૅમ્પેન સમયસર અને અનિવાર્ય હતું

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના વિક્ટરી ડે પરેડમાં પોતાના ભાષણમાં યુક્રેનમાં યુદ્ધ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓ વિરુદ્ધની જીતની ઉજવણી માટે ગઈ કાલે યોજાયેલી આ મિલિટરી પરેડમાં તેમણે આ યુદ્ધ માટે એક રીતે અમેરિકા અને યુરોપિયન દેશોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે સૈનિકોને કહ્યું હતું કે તેઓ હવે રશિયાની સલામતી માટે લડાઈ લડી રહ્યા છે. રશિયા પર સંભવિત હુમલાને અટકાવવા માટે યુક્રેનમાં મિલિટરી કૅમ્પેઇન સમયસર અને અનિવાર્ય હતું. મૉસ્કોના રેડ સ્ક્વેરમાં એકત્ર થયેલાં હજારો દળોને પુતિને કહ્યું હતું કે ‘યુક્રેનમાં રશિયન દળો અસ્વીકાર્ય ખતરાથી માતૃભૂમિનું રક્ષણ કરી રહ્યાં છે. રશિયન દળો નાઝીસમ વિરુદ્ધની લડાઈ સતત લડતાં રહ્યાં છે, પરંતુ વૈ​શ્વિક યુદ્ધની ભયાનક પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે બધું કરવું જરૂરી છે.’ 
અમેરિકા અને યુરોપિયન દેશોમાંથી રિપોર્ટ્સ આવ્યા હતા કે યુક્રેનમાં યુદ્ધના સંબંધમાં પુતિન આ મિલિટરી પરેડમાં કોઈ જાહેરાત કરશે. જોકે તેમણે યુદ્ધ સંદર્ભમાં પોતાની સ્પીચમાં કોઈ મોટી જાહેરાત નહોતી કરી. એના બદલે પુતિને એક રીતે આ યુદ્ધને યોગ્ય ગણાવીને રશિયાની જનતાનો સપોર્ટ મેળવવાની કોશિશ કરી હોય એમ જણાઈ રહ્યું છે. તેમણે પોતાની સ્પીચમાં યુક્રેનમાં નાટોની એક્ટિવિટીઝ વિશે જણાવ્યું હતું. 

‘અઝાન’ના જવાબમાં કર્ણાટકનાં મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ

મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાનના મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચા ચાલી છે ત્યારે સમગ્ર કર્ણાટકનાં અનેક મંદિરોમાં ગઈ કાલે સવારે પાંચ વાગ્યે હનુમાન ચાલીસા વગાડવામાં આવી હતી. નોંધપાત્ર છે કે શ્રીરામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે રવિવારે એના માટે હાકલ કરી હતી.   
બૅન્ગલોર, મૈસૂર, માંડ્યા, બેલગામ, ધારવાડ અને કલાબુરગી સહિત સમગ્ર રાજ્યનાં મંદિરોમાં શ્રીરામ ભજન, હનુમાન ચાલીસા અને મંત્રો વગાડવામાં આવ્યાં હતાં.
પ્રમોદ મુથાલિકે આ પહેલાં મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ અને ગૃહપ્રધાન અરાગા જનેન્દ્રને ધાર્મિક સ્થળોએથી ગેરકાયદે લાઉડસ્પીકર્સને હટાવીને અને અન્ય લાઉડસ્પીકર્સનો અવાજ માપદંડ મુજબ સેટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની જેમ બહાદુરી બતાવવા જણાવ્યું હતું.
કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજ્યમાં શાંતિ જાળવવા માટે શ્રીરામ સેનાના કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
નોંધપાત્ર છે કે ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકારની ઍક્શનના પગલે ધાર્મિક સ્થળોએથી લગભગ ૫૪,૦૦૦ ગેરકાયદે લાઉડસ્પીકર્સને હટાવાયાં છે. 

કેન્દ્ર સરકારે રાજદ્રોહ કાયદાની કાયદેસરતાની ચકાસણી ન કરવા સુપ્રીમને જણાવ્યું

કેન્દ્ર સરકારે ગઈ કાલે રાજદ્રોહ કાયદાની કાયદેસરતાની ચકાસણી કરવામાં સમય ન ફાળવવા સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે સક્ષમ મંચ દ્વારા આ કાયદાની જોગવાઈઓ પર ફેરવિચાર કરવાનો પણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે નાગરિકોની આઝાદી વિશે વિવિધ અભિપ્રાયો અને ચિંતા વિશે સરકાર વાકેફ છે, જેની સાથે જ સરકાર આ મહાન દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે સમર્પિત છે. ગૃહ મંત્રાલય દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ઍફિડેવિટમાં આ વાત જણાવવામાં આવી હતી. 

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની કોશિશ કરનારા છ ગુજરાતીઓના પરિવારને શોધવા સર્ચ ઑપરેશન

આ છ ગુજરાતીઓની કૅનેડિયન બૉર્ડરની નજીક અમેરિકામાં એક્વેસેનેમાં સેન્ટ રેજિસ નદીમાં ડૂબતી બોટમાંથી ધરપકડ કરાઈ હતી

અમેરિકાની બૉર્ડર ઑથોરિટીઝે તાજેતરમાં કૅનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવીને છ યંગ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. તેઓ ગુજરાતી હોવાનું મનાય છે. એટલા માટે જ હવે ગુજરાત પોલીસે તેમના પરિવારોને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે. 
૧૯થી ૨૧ વર્ષની એ જ ગ્રુપના આ છ ભારતીય નાગરિકોની કૅનેડિયન બૉર્ડરની નજીક અમેરિકામાં એક્વેસેનેમાં સેન્ટ રેજિસ નદીમાં ડૂબતી બોટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 
મહેસાણા જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અચલ ત્યાગીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું છે કે એ છ ભારતીયો મહેસાણા જિલ્લાના વતની છે. જોકે અમારી પાસે તેમના વિશે બીજી કોઈ માહિતી નથી. હજી સુધી તેમના પરિવારોએ અમારી પાસેથી મદદ પણ માગી નથી. અમે અમારી રીતે તેમના પરિવારોને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે.’
અમેરિકન કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રૉટેક્શને આ પહેલાં જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે નિષ્ફળ સ્મગલિંગની કોશિશના સંબંધમાં ૭ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી છ ભારતીય નાગરિક જ્યારે એક અમેરિકન નાગરિક છે, જેના પર હ્યુમન સ્મગલિંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. 
ડૂબતા જહાજમાંથી તેમને બચાવવામાં આવ્યા બાદ અમેરિકન બૉર્ડર ઑથોરિટીઝ દ્વારા આ છ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન ઑથોરિટીઝે આ છ વ્યક્તિઓની એન. એ. પટેલ, ડી. એચ. પટેલ, એન. ઈ. પટેલ, યુ. પટેલ, એસ. પટેલ અને ડી. એ. પટેલ તરીકે ઓળખ કરી છે. 
નોંધપાત્ર છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ગુજરાતના જ એક ગામના જગદીશ પટેલ, તેમનાં વાઇફ અને બે બાળકો કૅનેડાથી પગપાળા અમેરિકા જવાની કોશિશમાં થીજીને મૃત્યુ પામ્યાં હતાં. 
ગુજરાત પોલીસે ઇમિગ્રેશન એજન્ટ્સની વિરુદ્ધ એ સમયે ઇન્ક્વાયરી શરૂ કરી દીધી હતી કે જેઓ કૅનેડાની બૉર્ડરથી લોકોને ગેરકાયદે અમેરિકા મોકલે છે. 

international news national news