ક્રિસમસ વખતે ન્યુ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલા બે ભૂકંપને લીધે અંધાધૂંધી ફેલાઈ

24 December, 2011 02:23 AM IST  | 

ક્રિસમસ વખતે ન્યુ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલા બે ભૂકંપને લીધે અંધાધૂંધી ફેલાઈ



ન્યુ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં ગઈ કાલે ગ્રીનવિચ મીન ટાઇમ પ્રમાણે બપોરે ૧.૫૮ વાગ્યે ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો અને એની ૭૦ મિનિટ પછી બીજો આંચકો નોંધાયો હતો. આ બન્ને આંચકાઓ ૫.૮ની તીવ્રતાના નોંધાયા હતા. જોકે આ ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ, પણ ક્રિસમસની તૈયારીના ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ ઘટના બનતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભૂકંપ પછી ટેલિફોન લાઇનો કપાઈ ગઈ, લાઇટ ચાલી ગઈ, ઍરર્પોટ બંધ કરી દેવામાં આવ્યું અને લોકો શેરીઓમાં ઊતરી આવ્યા હતા.


ગયા ફેબ્રુઆરી મહિનામાં અહીં આવેલા ૬.૩ની તીવ્રતાના ભૂકંપમાં ૧૮૧ લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં એટલે સ્થાનિકોના મનમાં બીકની લાગણી તો હતી જ અને આવા સંજોગોમાં ફરી ભૂકંપ આવતાં તેમણે નાસભાગ કરી મૂકી હતી.


આ ભૂકંપને કારણે એક વ્યક્તિને ઈજા થઈ છે અને ઇન્ટનૅશનલ ઍરર્પોટ તથા શૉપિંગ મૉલ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જોકે અમુક કલાક પછી ફરીથી ઇન્ટરનૅશનલ ઍરર્પોટ કાર્યાન્વિત કરી દેવામાં આવ્યું હતું.


વિજ્ઞાનીઓએ ગયા મહિને જ ચેતવણી આપી હતી કે ક્રાઇસ્ટચર્ચે ટૂંક સમયમાં ફરી વાર પ્રબળ ભૂકંપનો સામનો કરવો પડશે. ન્યુ ઝીલૅન્ડ ઑસ્ટ્રેલિયન અને પૅસિફિક ટેક્ટોનિક પ્લેટ્સ પર આવેલું હોવાથી અહીં ભૂકંપના આંચકા આવે છે. એક અંદાજ પ્રમાણે અહીં દર વર્ષે નાના-મોટા પંદરેક હજાર જેટલા ભૂકંપના આંચકા નોંધાય છે.

ફિલિપીન્સમાં પણ આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો


ફિલિપીન્સમાં ગઈ કાલે ૫.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાને કારણે રાજધાની મનિલાની ઇમારતો થોડીઘણી ધધ્રુજી હતી, પણ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીને લીધે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન નહોતું નોંધાયું.