અમેરિકામાં ત્રીસ દિવસમાં ત્રીજી વખત થયું શૂટઆઉટ

25 August, 2012 09:57 AM IST  | 

અમેરિકામાં ત્રીસ દિવસમાં ત્રીજી વખત થયું શૂટઆઉટ

 

 

 

ન્યુ યૉર્કના ફેમસ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની બહાર ગઈ કાલે એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં ગોળીબાર કરનાર વ્યક્તિ સહિત બેનાં મોત થયાં હતાં, જ્યારે નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ન્યુ યૉર્કના ટૂરિસ્ટ સ્પૉટ તરીકે જાણીતા આ સ્થળે સવારે બનેલી ઘટનાને લીધે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગોળીબાર કરનારની ઓળખ ૫૩ વર્ષના જેફરી જ્હોન્સન તરીકે થઈ હતી.

 

પોલીસનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘જ્હોન્સન નજીકમાં જ કામ કરતો હતો. તેને નોકરીમાંથી  કાઢી મુકવામાં આવ્યો હતો. સાથીકર્મચારી સાથેના મતભેદને કારણે તેણે ગુસ્સામાં આવીને ગોળીબાર શરૂ કર્યો હતો. તેણે સવારે ૯ વાગ્યાની આસપાસ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસે બાદમાં સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લીધો હતો.’   

 

નજરે જોનારાઓએ કહ્યું હતું કે ‘હુમલાખોરનો મૃતદેહ સાઇડવૉક પાસે લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો. આ ઘટનામાં બે મહિલાઓ પણ ઘાયલ થઈ હતી.’

 

અમેરિકામાં છેલ્લા ૩૦ દિવસમાં શૂટઆઉટની આ ત્રીજી ઘટના છે. અગાઉ ૨૦ ઑગસ્ટે કોલોરાડોમાં બૅટમૅનની ફિલ્મના શો દરમ્યાન થિયેટરમાં એક વ્યક્તિએ આડેધડ ફાયરિંગ કરીને ૧૨ લોકોની હત્યા કરી હતી. એ પછી પાંચમી ઑગસ્ટે વિસ્કોન્સિનના ગુરુદ્વારામાં થયેલા ગોળીબારમાં છ લોકોનાં મોત થયાં હતાં.