સ્વામીનારાયણ મંદિરના બાંધકામ વેળા શોષણ : અમેરિકી અદાલતમાં ભારતીય કામગારોએ ફરિયાદ કરી

14 May, 2021 01:45 PM IST  |  New York | Agency

અમેરિકાના ન્યુ જર્સીમાં સ્વામીનારાયણ મંદિરના બાંધકામ દરમ્યાન હ્યુમન ટ્રાફિકિંગ અને કાયદેસર જોગવાઈથી ઓછું વેતન ચૂકવવાના આરોપ સાથે ભારતીય કામગારોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા વિરુદ્ધ લૉ સુટ ફાઇલ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ન્યુ જર્સીમાં સ્વામીનારાયણ મંદિરના બાંધકામ દરમ્યાન હ્યુમન ટ્રાફિકિંગ અને કાયદેસર જોગવાઈથી ઓછું વેતન ચૂકવવાના આરોપ સાથે ભારતીય કામગારોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બૅપ્સ) વિરુદ્ધ લૉ સુટ ફાઇલ કર્યો છે. મંદિર બાંધવામાં સામેલ એ કામગારોને કલાકના એક અમેરિકન ડૉલર(અંદાજે ૭૪ રૂપિયા)ના દરે મહેનતાણું ચૂકવવામાં આવતું હોવાનું લૉ સુટમાં જણાવવામાં આવ્યું હતું. ઇન્ડિયા સિવિલ વૉચ ઇન્ટરનૅશનલ (આઇ.સી.ડબ્લ્યુ.આઇ.)ના નિવેદનમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ૧૧ મેએ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સ (એફ.બી.આઇ.)ના વડપણમાં ન્યુ જર્સીના રોબિન્સવિલેમાં સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં પાડવામાં આવેલા દરોડામાં ૨૦૦ જેટલા શોષિત કર્મચારીઓને બચાવીને પ્રોટેક્ટિવ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. એ દરોડામાં ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી અને ડિપાર્ટમેન્ટ ઑફ લેબરના અધિકારીઓ પણ સામેલ હતા.

વર્ષ ૨૦૧૮થી ૨૦૦ જેટલા કામગારો (મોટા ભાગના બહુજન સમુદાય દલિત-આદિવાસી)ને ધાર્મિક R-1 વિઝા હેઠળ ભારતથી અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. ન્યુ યૉર્ક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલમાં એ ૨૦૦માંથી ૬ કર્મચારીઓનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમને ઘણા કલાકો સુધી આકરા સંજોગોમાં કામ કરાવવામાં આવતું હતું. આઇ.સી.ડબ્લ્યુ.આઇ.ના નિવેદનમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ૧૧ મેએ પાડવામાં આવેલા દરોડાના અનુસંધાનમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલી ફરિયાદમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા, બૅપ્સ રોબિન્સવિલે એલ.એલ.સી. અને બૅપ્સ ફેલોશિપ સર્વિસિસ કર્મચારીઓને ધમકી આપીને ગોંધી રાખતા હોવાનું અને અત્યાચાર દ્વારા કામ કરાવતા હોવાનું જણાવવામાં આવ્યું છે. 

new york united states of america international news