અમેરિકામાં મહિલા પોલીસે ટૅઝરને બદલે ગન વાપરતાં અશ્વેત યુવાનનું મૃત્યુ

14 April, 2021 11:12 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

બે રાતથી લોકો ભારે તોફાનો પર ઊતર્યાં

એક પોલીસ અધિકારીના હાથે એક અશ્વેત યુવાનનું મૃત્યુ નીપજતાં બે દિવસથી આ વિસ્તારમાં લોકો હિંસક તોફાનો પર ઊતર્યાં છે

મિનેસૉટા સ્ટેટના મિનીઍપૉલીસ શહેરના એક પરામાં એક પોલીસ અધિકારીના હાથે એક અશ્વેત યુવાનનું મૃત્યુ નીપજતાં બે દિવસથી આ વિસ્તારમાં લોકો હિંસક તોફાનો પર ઊતર્યાં છે તેમ જ દેશના કેટલાક બીજા ભાગોમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા પોલીસે અશ્રુવાયુના ટોટા ફોડવા પડ્યા હતા.

વિરોધી દેખાવોની આ બીજી રાત હતી જેમાં લોકોએ સલામતી અધિકારીઓ પર બાટલીઓ, ઇંટ તથા અન્ય ચીજવસ્તુઓ ફેંકી હતી.

રવિવારે ૨૦ વર્ષના ડૉન્ટી રાઇટ નામના યુવાનને કિમ પૉટર નામની મહિલા પોલીસ અધિકારીએ ‘અકસ્માતે’ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના એક ટ્રાફિક સિગ્નલ ખાતે બની હતી. એક અહેવાલ મુજબ પોલીસ અધિકારી આ અશ્વેત યુવાન સામે ટૅઝર (હળવો ઇલેક્ટ્રિક કરન્ટ આપતું સાધન) વાપરવા માગતા હતા, પરંતુ ભૂલથી તેમનાથી ગનનો ઉપયોગ થઈ ગયો હતો અને ગોળી છૂટતાં યુવાનનું મૃત્યુ થયું હતું. વિડિયો ફુટેજમાં મહિલા પોલીસ અધિકારી યુવાનને વારંવાર એવું કહી રહી હતી કે ‘હું મારા આ ટૅઝરનો ઉપયોગ કરતા નહીં અચકાઉં.’ જોકે યુવાન કારમાં નાસવાનો પ્રયાસ કરતાં અધિકારીએ ગનનું ટ્રિગર દબાવી દીધું હતું અને યુવાન નિશાન બની ગયો હતો. ગયા વર્ષે મે મહિનામાં અમેરિકાના આ જ શહેરમાં જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેતની શ્વેત પોલીસ અધિકારી દ્વારા ક્રૂર હત્યા થતાં દેશભરમાં જ નહીં, લગભગ આખા વિશ્વમાં અશ્વેતોના ટેકામાં દેખાવો થયા હતા.

new york united states of america Crime News