ચીનમાં આવ્યો નવો જીવલેણ વાયરસ, માણસથી માણસમાં ફેલાય છે

08 August, 2020 12:33 PM IST  |  Beijing | Gujarati Mid-day Online Correspondent

ચીનમાં આવ્યો નવો જીવલેણ વાયરસ, માણસથી માણસમાં ફેલાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: સોશ્યલ મીડિયા)

જ્યાંથી દુનિયામાં કોરોના વાયરસ (COVID-19) ફેલાયો તે દેશ ચીનમાં ફરી નવો જીવલેણ વાયરસ આવ્યો છે. આ વાયરસના ફેલાવાથી અત્યાર સુધીમાં ચીનમાં 67 લોકો ચેપગ્રસ્ત થયાં છે અને સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. માણસથી માણસમાં ફેલાતા આ વાયરસને 'SFTS'ના નામથી ઓળખવામાં આવી રહ્યો છે.

SFTS વાયરસ પશુઓ પર આવતા કીડાઓને કાપવાથી ફેલાય છે. આ કીડા જાનવરોનું લોહી પીને જીવતા રહે છે. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, આ કીડા જલ્દી માણસોમાં ફેલાવાની શક્તિ મેળવી લેશે. આ માનવજાત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ SFTS વાયરસ 67 ચીની લોકોમાં જોવા મળ્યો છે અને છ ઓગસ્ટ સુધીમાં સાત લોકોના મોત પણ થયા છે.

મળતી માહિતી પ્રમાણે, જિયાંગ્સૂની રાજધાની નાનજિયાંગમાં SFTS વાયરસથી સંક્રમિત એક મહિલામાં શરૂઆતમાં ઉધરસ અને તાવના લક્ષણ જોવા મળ્યાં હતાં. ત્યારબાદ એક મહિનાની સારવાર પછી તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, વૈજ્ઞાનિકોનો દાવો છે કે ચીનમાં SFTS વાયરસ કંઈ નવો વાયરસ નથી. આ પહેલાં 2011માં આ SFTS વાયરસની ખબર પડી હતી. જે પશુઓ પર આવતા કીડાઓને કાપવાથી ફેલાય છે.

હવે તો જાણે, ચીન વાયરસની ફેક્ટરી બની ગયુ છે. ચીનમાં સ્વાઈન ફ્લૂ ફેલાવનાર નવા વાયરસ પણ મળ્યા છે. જો કે, આ બધાની વચ્ચે ચીન ફેક ન્યૂઝ ફેલાવવામાં માહેર છે. જેના માધ્યમથી તે બીજા દેશોમાં ખતરનાક વાયરસ હોવાના દાવા કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડાક અઠવાડિયા પહેલા ચીને કઝાકિસ્તાનમાં કોરોના કરતા ખતરનાક વાયરસ હોવાનો દાવો કર્યો હતો. અંતે તે ખોટો સાબિત થતા ત્યાના લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. એટલે આ SFTS વાયરસ બાબતે પણ શંકા ઉદ્ભવી રહી છે. પરંતુ તેમાં કેટલી સચ્ચાઈ છે એ તો સમય જ કહેશે!

international news china