ન્યુ યૉર્ક અને ન્યુ જર્સી પર ત્રાટક્યું વધુ એક વાવાઝોડું

09 November, 2012 05:27 AM IST  | 

ન્યુ યૉર્ક અને ન્યુ જર્સી પર ત્રાટક્યું વધુ એક વાવાઝોડું



હજી ગત મહિનાના અંતે ત્રાટકેલા વાવાઝોડા સૅન્ડીના મારની કળ વળી નથી ત્યાં અમેરિકાના પૂર્વ કાંઠાનાં રાજ્યો પર ‘અથીના’ નામનું વધુ એક વાવાઝોડું ત્રાટક્યું છે. બુધવારે ત્રાટકેલું આ વાવાઝોડું જોકે ‘સૅન્ડી’ જેટલું પાવરફુલ તો નથી પણ તેને કારણે ૬૦,૦૦૦થી વધારે લોકોના ઘરમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં, ખરાબ હવામાનને કારણે ૧૭૦૦થી વધારે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર ન્યુ યૉર્ક અને ન્યુ જર્સી સ્ટેટ પર પડી છે.

અમેરિકાની હવામાન સંસ્થા નૅશનલ વેધર સર્વિસે કહ્યું હતું કે આ વાવાઝોડાને કારણે આગામી બે દિવસમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે તથા અનેક વિસ્તારોમાં ૬થી ૧૦ ઇંચ બરફવર્ષા પણ થઈ શકે છે. ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. એજન્સીએ એમ પણ કહ્યું હતું કે ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીના કાંઠા વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે.

ગઈ કાલે ‘અથીના’ને કારણે ન્યુ યૉર્ક, ન્યુ જર્સી, પેન્સિલવેનિયા અને મસાચસ્ટ્સના કેટલાક વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઈ હતી તથા સંખ્યાબંધ ફ્લાઇટ્સ પણ કૅન્સલ થઈ હતી. ન્યુ જર્સીના નેવાર્ક ઍરપોર્ટ, ન્યુ યૉર્કના લાગાર્ડિયન અને જેએફકે ઍરપોર્ટ પર મોટા ભાગની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાને કારણે ન્યુ યૉર્ક, ન્યુ જર્સીના અનેક વિસ્તારોમાં રસ્તાઓ સાફ કરવાની તથા કાટમાળ ખસેડવાની કામગીરીને અસર પહોંચી હતી. ‘સૅન્ડી’ને કારણે હજી પણ ૬.૪૦ લાખ લોકો અંધારપટ હેઠળ જીવી રહ્યા છે ત્યારે વધુ એક વાવાઝોડું પડતા પર પાટુ સમાન પુરવાર થયું છે. ન્યુ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ આગામી દિવસોમાં વધુ લોકોને વીજળી વિના ચલાવવું પડશે એવી ચેતવણી આપી હતી. બુધવારે તેમણે લોકોને વધુ એક વાવાઝોડાનો સામનો કરવા તૈયાર રહેવા લોકોને કહ્યું હતું. આ તરફ ન્યુ યૉર્કમાં ‘અથીના’ને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા ફરી વાર ખોરવાઈ હતી. ખરાબ હવામાનને કારણે ન્યુ યૉર્ક સબવેના કેટલાક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા.