કોવિડ રોગચાળો જ્યાંથી શરૂ થયો હતો એ ચીનના હુબેઈ પ્રાંતમાંથી નવો જીવલેણ વાઇરસ મળી આવ્યો

12 September, 2026 09:00 AM IST  |  Hubei | Gujarati Mid-day Correspondent

ઇતરડી કરડવાથી ફેલાતો આ નવો વાઇરસ અન્ય વાઇરસ સાથે ભળી જાય ત્યારે દરદીનું સીધું મોત થતું હોવાનો ચોંકાવનારો દાવો

ઇતરડી

સમગ્ર વિશ્વમાં જ્યાંથી જીવલેણ કોવિડ 19 રોગચાળો ફેલાયો હતો એ ચીનના હુબેઈ પ્રાંતમાંથી જ વધુ એક નવો ખતરનાક વાઇરસ મળી આવ્યો છે. ચીનના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ઇતરડી (ઢોરના શરીર પર વળગતું એક જાતનું જંતુ) કરડવાથી ફેલાતો એશિયન લૉન્ગહૉર્ન ટિક નૈરોવાઇરસ (ALTNV) ચીનના મધ્ય અને પૂર્વ ભાગમાં સેંકડો લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. આ નવા વાઇરસની શોધ ન્યુ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થઈ છે.

બીજિંગની સ્ટેટ કી લૅબોરેટરી ઑફ પૅથોજન ઍન્ડ બાયોસિક્યૉરિટીના સંશોધકોએ ઇતરડી કરડ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ થયેલા ૩૧૬૩ દરદીઓના લોહીના નમૂના લીધા હતા જેમાંથી ૩૨૯ દરદીઓમાં ALTNV પૉઝિટિવ જોવા મળ્યો હતો. આ વાઇરસનો ચેપ લાગવાથી શરૂઆતમાં ૮૪ ટકા દરદીઓમાં થાક, પેટની સમસ્યાઓ, લિવરના એન્ઝાઇમમાં વધારો અને પ્લેટલેટ્સ ઘટવા જેવાં લક્ષણો જોવા મળે છે.

સૌથી ભયજનક બાબત એ છે કે જ્યારે આ ALTNV વાઇરસ ડૅબી બેન્ડાવાઇરસ (DBV) સાથે ભળે છે ત્યારે એ અત્યંત જીવલેણ સાબિત થાય છે. આવા ૩૮ દરદીઓમાંથી ૧૮.૪ ટકા એટલે કે ૭ દરદીઓનાં મોત નિપજ્યાં હતાં અને ૮૪ ટકા દરદીઓની કિડની ફેલ થઈ ગઈ હતી.

coronavirus covid19 china international news world news news