મોદીની ઠેકડી ઉડાવતા ટીવી-શો પર નેપાલ સરકારે મૂક્યો પ્રતિબંધ

06 December, 2014 06:19 AM IST  | 

મોદીની ઠેકડી ઉડાવતા ટીવી-શો પર નેપાલ સરકારે મૂક્યો પ્રતિબંધ


ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવતા લોકપ્રિય ટેલિવિઝન કૉમેડી શો તિતો સત્ય (કડવું સત્ય)ના પ્રસારણ પર નેપાલ સરકારે પ્રતિબંધ લાદ્યો છે. આ શોનો ૫૭૬મો એપિસોડ ગુરુવારે સાંજે પ્રસારિત થવાનો હતો, પણ સરકારી માલિકીના નેપાલ ટીવીએ એનું પ્રસારણ અચાનક અટકાવી દીધું હતું.

નરેન્દ્ર મોદી નેપાલનો વિકાસ કઈ રીતે કરવાના છે અને નેપાલની રાજકીય નેતાગીરી આ વિકાસના ભંડોળમાંથી કઈ રીતે પોતાનાં ગજવાં ભરવાની છે એવી કથા આ એપિસોડમાં રજૂ થવાની હતી. એમાં કેટલીક ટિપ્પણી વાંધાજનક જણાતાં કાર્યક્રમનું પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું હતું.

શો પર પ્રતિબંધ મૂકવાનાં કારણોની વાત કરતાં આ શોના પ્રોડ્યુસર અને પૉપ્યુલર કૉમેડિયન દીપક રાજ ગિરિએ કહ્યું હતું કે ‘મારા શોમાં નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા હોવાથી કારણ વિનાનો વિવાદ સર્જાશે એવું મને નેપાલ ટીવીના અધિકારીઓએ જણાવ્યું હતું. આ તો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને બંધારણીય અધિકારના વિરુદ્ધનો નિર્ણય છે. પોતાના પર કટાક્ષ કરતા અનેક ભારતીય ટેલિવિઝન કાર્યક્રમો ખુદ નરેન્દ્ર મોદી નિહાળે છે. નરેન્દ્ર મોદીનો આપણે આદર કરીએ એ સારી વાત છે, પણ તેમની ચમચાગીરી કરવાની જરૂર નથી.’ઑગસ્ટ અને નવેમ્બર એમ બે વખતની નેપાલની મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીનાં ભાષણો તેમ જ નેપાલમાં ભારતે કરેલા ત્રણ અબજ ડૉલરથી વધુના રોકાણને કારણે નેપાલી લોકો તેમના ભણી આકર્ષાયા છે.

નરેન્દ્ર મોદી બન્યા એશિયન ઑફ ધ યર

સિંગાપોરના પ્રતિષ્ઠિત ‘ધ સ્ટ્રેટ ટાઇમ્સ’ દૈનિકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એશિયન ઑફ ધ યર-૨૦૧૪નો પુરસ્કાર આપ્યો છે. અખબારના સંપાદકોએ નરેન્દ્ર મોદીની પસંદગી વિકાસના મુદ્દા પર કેન્દ્રિત નેતા અને સામાન્ય ચૂંટણીમાં શાનદાર વિજય મેળવવા બદલ કરી છે. ૨૦૧૩માં આ પુરસ્કાર જપાનના વડા પ્રધાન શિંજો આબે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આપવામાં આવ્યો હતો.