26 August, 2026 05:26 PM IST | Kathmandu | Gujarati Mid-day Online Correspondent
નેપાળમાં પૂર બાદ તબાહી (તસવીર: એજન્સી)
નેપાળમાં આવેલા અચાનક આવેલા પૂરથી રાસુવા અને આસપાસના વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં વિવિધ સ્થળોએ પૂરના પાણીનો શક્તિશાળી પ્રવાહ જોવા મળ્યો છે. પુલ, રસ્તા, વાહનો અને ઇમારતો પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું જોવા મળ્યું છે. પૂરને કારણે અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા છે. દરમિયાન, ૧૦૫ ભારતીય નાગરિકો સહિત આશરે ૪૦૦ પ્રવાસીઓ ગુમ થયાના અહેવાલ છે.
નેપાળ પ્રવાસન બોર્ડ અનુસાર, ગુમ થયેલા ભારતીય પ્રવાસીઓમાં ૩૧ યાત્રાળુઓનો સમાવેશ થાય છે જે માનસરોવર યાત્રા માટે જઈ રહ્યા હતા. બોર્ડ હાલમાં ગુમ થયેલા ભારતીય પ્રવાસીઓ અંગે વિગતો ભેગી કરી રહ્યું છે. નેપાળ પ્રવાસન બોર્ડ અહેવાલ આપે છે કે પૂર બાદ લગભગ ૪૦૦ પ્રવાસીઓ ગુમ થયા છે. આ જૂથમાં ૨૯૧ વિદેશી પ્રવાસીઓ અને ૯૦ થી વધુ નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. નેપાળ સમાચાર અનુસાર, ગુમ થયેલા વ્યક્તિઓમાં ભારતીય મૂળના ૩૭ NRI પણ સામેલ છે. ગુમ થયેલા વિદેશી પ્રવાસીઓમાં ઑસ્ટ્રેલિયા, નૅધરલૅન્ડ, અમેરિકા, મલેશિયા, યુકે અને દક્ષિણ આફ્રિકાના નાગરિકોનો સમાવેશ થાય છે. નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા ભારતીય પ્રવાસીઓમાંથી 59 `સ્માર્ટ ટ્રાવેલ્સ` સાથે મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે 46 `લીફ હોલિડે` દ્વારા નેપાળ પહોંચ્યા હતા. નેપાળ સરકારે પૂરમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા માટે 1144 નંબર, હેલ્પલાઇન જાહેર કર્યો છે.
નેપાળ સેનાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હેલિકોપ્ટર દ્વારા ૧૨ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્યાફ્રુબેસી (૬ લોકો), મૈલુંગ (૨ લોકો) અને ધુંચે (૪ લોકો) માં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી માટે નેપાળ સેનાના ચાર હૅલિકોપ્ટર અને આઠ ખાનગી ક્ષેત્રના હૅલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે, જેના કારણે રાહત અને બચાવ પ્રયાસોમાં રોકાયેલા હૅલિકોપ્ટરની કુલ સંખ્યા ૧૨ થઈ ગઈ છે. પૂરના પાણીમાં ફસાયેલા અન્ય પાંચ લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુમ થયેલા પ્રવાસીઓ માટે વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
X પરની એક પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે લોકો +977 985 131 6807 અથવા +977 970 910 7500 પર સંપર્ક કરી શકે છે. નેપાળ ટુરિઝમ બોર્ડે પણ આવા જ નંબરો જાહેર કર્યા છે, જેમાં મદદ માટે ટોલ ફ્રી ઇમરજન્સી નંબર 1234 અથવા હોટલાઇન 1144 અથવા ટુરિસ્ટ પોલીસ 9851289445નો સમાવેશ થાય છે.