નવાઝ શરીફે શાહબાઝને આપી સલાહ- ભારત સાથે યુદ્ધ ન કરો, શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધો

29 April, 2025 10:04 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે

નવાઝ શરીફ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ભારત હુમલાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને તેના ભાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના અધ્યક્ષ નવાઝ શરીફે ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ આપી છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ૨૭ એપ્રિલે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના અધ્યક્ષ નવાઝ શરીફને વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ બોલાવવામાં આવી હતી. બેઠક વિશે પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે નવાઝ શરીફે વડા પ્રધાન શાહબાઝને શાંતિપૂર્ણ ઉકેલો શોધવા અપીલ કરી છે, તેઓ (નવાઝ) યુદ્ધ ઇચ્છતા નથી. નવાઝે શાહબાઝને ભારત સાથે તનાવ ઓછો કરવા કહ્યું હતું.

બેઠકમાં શાહબાઝે નવાઝ શરીફને જણાવ્યું હતું કે ‘આ એક ફૉલ્સ ફ્લૅગ ઑપરેશન હતું જે ભારતીયો દ્વારા જાણીજોઈને કરવામાં આવ્યું હતું જેથી અસ્થિરતાનો માહોલ ઊભો કરી શકાય. ભારતના આ આકરા પગલાથી બન્ને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ વધ્યું છે. આતંકવાદને પોષનારું પાકિસ્તાન શાંતિ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરીશું નહીં.’

international news nawaz sharif pakistan Pahalgam Terror Attack jammu and kashmir