Coronavirus Outbreak: બ્રાઝીલમાં કોરોના કેસનો આંકડો એક દિવસમાં 26000

29 May, 2020 10:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: બ્રાઝીલમાં કોરોના કેસનો આંકડો એક દિવસમાં 26000

છેલ્લા ચોવીસ કલાકમાં બ્રાઝિલમાં કોરોનાનાં 26 હજાર કેસિઝ નોંધાયા છે

બ્રાઝિલમાં જાણે કોરોના કેસિઝનો રાફડો ફાટ્યો છે અને અચાનક જ જે રીતે કેસિઝ વધ્યા છે તે જોતા જાણે બ્રાઝિલે વિશ્વવિક્રમ કર્યો હોય તેમ કહેવું પડે એમ છે. છેલ્લા ચોવીસ કલાકમાં બ્રાઝિલમાં કોરોનાનાં 26 હજાર કેસિઝ નોંધાયા છે અને બ્રાઝિલનો આ આંકડો સાંભળી આખી દુનિયા જાણે કાંપી ગઇ છે. આવું પહેલીવાર થયું છે કે એક જ દિવસમાં આટલા બધા કેસિઝ નોંધાયા હોય અને ત્યા સંજોગો વધુને વધુ કપરા બની રહ્યા છે. અહીં જાણે દર એક મિનીટે એક નવો કેસ નોંધાતો હોય તેવી હાલત છે. શિન્હુઆ રિપોર્ટ અનુસાર બ્રાઝિલે આખી દુનિયાનો રેકોર્ડ તોડ્યો છે અને ચોવિસ કલાકમાં જ અહીં  26417 કેસિઝ સામે આવ્યા છે. વળી આ પહેલાં સૌથી વધુ કેસિઝ રશિયામાં આવ્યા હતા પણ તે આંકડો પણ આટલો મોટો નહોતો. રશિયામાં એક જ દિવસમાં 11હજાર કેસિઝ સામે આવ્યા હતા. મોતને મામલે પણ જાણે બ્રાઝિલ દુનિયા સામે હોડમાં ઉતર્યું છે. અહીં છેલ્લા ત્રણ દિવસમાં સતત એક હજારથી વધુ કોરોના દર્દીઓનાં મોત થયા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 1156 લોકોનાં મૃત્યુ થયા છે. બ્રાઝિલનાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અહીં કોરોનાને કારણે મૃત્યુ થયા હોય તેવા કૂલ 26754 દર્દીઓ છે. બ્રાઝિલમાં જે રીતે વાઇરસ ફેલાયો છે તેટલી ઝડપથી હાલમાં તો બીજા કોઇપણ દેશમાં નથી ફેલાયો અને આ પહેલાં ચીન, ઇરાન, ઇટાલી, અમેરિકા અને રશિયામાં આ રીતે કોરોનાએ પ્રકોપ દર્શાવ્યો હતો.

કોરોના દર્દીઓને મામલે બ્રાઝિલ બીજા નંબરે છે અને સૌથી વધુ કોરોના પેશન્ટ અમેરિકામાં છે. અમેરિકામાં કોરોના પેશન્ટની સંખ્યા 1768608છે તથા બ્રાઝિલમાં આ આંકડો 438812 છે. સાઓ પાવલો અને બ્રાઝિલનું પાટનગર રિયો જિ જેનેરિયોમા સૌથી વધુ દર્દીઓ છે.

brazil covid19 coronavirus international news