માથાફરેલ ટીનેજરના કૃત્ય માટે પાગલ ને ગન-ક્રેઝી માતા જવાબદાર?

18 December, 2012 03:37 AM IST  | 

માથાફરેલ ટીનેજરના કૃત્ય માટે પાગલ ને ગન-ક્રેઝી માતા જવાબદાર?



અમેરિકાની કિન્ડરગાર્ટન સ્કૂલમાં આડેધડ ફાયરિંગ કરીને ૨૦ બાળકો સહિત ૨૬ને શૂટ કરનાર ટીનેજર ઍડમ લેન્ઝાએ કયાં કારણોસર આ ભયાનક કૃત્ય આચર્યું હતું તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે ત્યારે ગઈ કાલે એવા સંકેતો મળ્યાં હતા કે આ હત્યાકાંડ પાછળ પરોક્ષ રીતે લેન્ઝાની માતાનો પાગલ અને ગન-ક્રેઝી સ્વભાવ જવાબદાર હતો. ૨૦ વર્ષના ઍડમ લેન્ઝાની માતા નેન્સી લેન્ઝા ગાંડપણનાં લક્ષણો ધરાવતી હતી. શુક્રવારે સ્કૂલમાં શૂટઆઉટ પહેલાં લેન્ઝાએ તેની માતાને પણ ઠાર કરી દીધી હતી.

સગાંસંબંધીઓ અને પડોશીઓના જણાવ્યા પ્રમાણે બાવન વર્ષની નેન્સી લેન્ઝા એવું માનતી હતી કે વિશ્વ હવે હિંસક લડાઈને આરે છે અને ગમે ત્યારે અર્થતંત્ર પડી ભાંગતાં લડાઈ ફાટી નીકળશે. એટલું જ નહીં, તેણે બન્ને દીકરા ઍડમ અને રાયનને હથિયારો ચલાવતાં શીખવ્યું હતું. અવારનવાર તેઓ શૂટિંગની પ્રૅક્ટિસ માટેની લોકલ રેન્જમાં જતા અને કલાકો સુધી ગોળીબારની પ્રૅક્ટિસ કરતા હતા. વિચિત્ર માન્યતાને કારણે નેન્સીએ ઘરમાં હથિયારો, ખોરાક, પાણી તથા અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ સ્ટોર કરવાનું શરૂ કર્યું હતું. પતિ પીટર સાથેના ડિવૉર્સ બાદ નેન્સી લેન્ઝા ૧૯૯૮માં દીકરાઓ સાથે કનેક્ટિકટ સ્ટેટના ન્યુટાઉન શહેરમાં રહેવા આવી હતી. ઍડમ લેન્ઝાની કાકી માર્શા હોમ્સે કહ્યું હતું કે ઍડમ લેન્ઝા એકાકી સ્વભાવનો છોકરો હતો. તે કલાકો સુધીમાં પોતાના રૂમમાં કમ્પ્યુટર પર ગેમ્સ રમ્યા કરતો, એ મોટે ભાગે હિંસક ગેમ્સ રમતો હતો. અગાઉ રવિવારે અમરિકી પોલીસે હત્યાકાંડનું કારણ શોધવાની દિશામાં મહkવના પુરાવા હાથ લાગ્યા હોવાનો દાવો કર્યો હતો.