મિસાઇલ પડ્યું જપાન પાસે, પણ ખળભળી ઊઠ્યું અમેરિકા

20 November, 2022 09:53 AM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

નૉર્થ કોરિયાએ તાજેતરમાં હવામાં સીધા ઉપર જે શક્તિશાળી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલૅસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું એ અમેરિકા પર હુમલો કરવા માટે કેવી રીતે સક્ષમ છે એને સમજવાની કોશિશ કરીએ

નૉર્થ કોરિયાના લીડર કિમ જૉન્ગ-ઉન તેમની દીકરી સાથે ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલૅસ્ટિક મિસાઇલના પરીક્ષણના સ્થળે.

નૉર્થ કોરિયા સતત મિસાઇલનું પરીક્ષણ કરીને જપાન અને સાઉથ કોરિયા સહિત દુનિયાના અનેક દેશોની ચિંતા વધારી રહ્યું છે. જોકે તાજેતરમાં પરીક્ષણ કરાયેલા મિસાઇલના નિશાના પર અમેરિકા જ હોય એમ બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન ખળભળી ઊઠ્યું છે. નૉર્થ કોરિયાએ અમેરિકા સુધી ત્રાટકવા સક્ષમ એક ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, જેના પછી અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસે શુક્રવારે એશિયા-પૅસિફિક ઇકૉનૉમિક સમિટ દરમ્યાન સાથી દેશોના નેતાઓની એક ઇમર્જન્સી મીટિંગ બોલાવી હતી.

બૅન્ગકૉકમાં ૨૧ દેશોને સમાવતા એશિયા-પૅસિફિક ઇકૉનૉમિક કો-ઑપરેશન ફોરમની મીટિંગ મળી એના થોડા કલાક પહેલાં જ નૉર્થ કોરિયાએ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.

વાસ્તવમાં નૉર્થ કોરિયા દ્વારા ફાયર કરવામાં આવેલું ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલ જપાનના કાંઠેથી માત્ર ૧૩૦ માઇલના અંતરે પડ્યું હતું. હવે સવાલ એ છે કે આ મિસાઇલ જપાનની નજીક પડ્યું હતું તો અમેરિકા શા માટે ચિંતાતુર છે?

નૉર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે લગભગ ૧૦,૩૬૭ કિલોમીટરનું અંતર છે. હવે જ્યારે નૉર્થ કોરિયા આટલા કિલોમીટર સમાંતર મિસાઇલ ફાયર કરે તો ખ્યાલ આવે કે એના ટાર્ગેટ પર અમેરિકા છે. જોકે તમામ દેશોની જેમ નૉર્થ કોરિયાએ પણ અલગ માર્ગ અપનાવ્યો, જેમાં જો કોઈ દેશ બીજા કોઈ દેશને ટાર્ગેટ બનાવવા માગતો હોય તો એને ખબર ન પડે એટલે એ પોતાના વિસ્તારમાંથી સીધી ઉપરની તરફ મિસાઇલ ફાયર કરે છે. એ જ રીતે નૉર્થ કોરિયાએ આ વખતે ફાયર કરેલું મિસાઇલ સીધું ઉપર સાડાછ હજાર કિલોમીટર ગયું હતું, જેનો અર્થ એ થયો કે એ મિસાઇલને સમાંતર ફાયર કરવામાં આવે તો એની રેન્જ એનાથી બમણી એટલે કે લગભગ ૧૩,૦૦૦ કિલોમીટર રહે. એનો અર્થ એ થયો કે નૉર્થ કોરિયા આ મિસાઇલથી અમેરિકા પર હુમલો કરી શકવા માટે સક્ષમ છે.
અત્યાર સુધી નૉર્થ કોરિયા જ્યારે પણ મિસાઇલ પરીક્ષણ કરે ત્યારે જપાન અને સાઉથ કોરિયા એનો વિરોધ વ્યક્ત કરીને અમેરિકા સમક્ષ સુરક્ષાની ખાતરીની આશાએ જોતા હતા. જોકે હવે સ્થિતિ બદલાઈ છે. નૉર્થ કોરિયાએ એવા મિસાઇલનું પરીક્ષણ કર્યું છે કે જે અમેરિકા પર ત્રાટકવા માટે સક્ષમ છે.

આ મિસાઇલના પરીક્ષણ બાદ અમેરિકાએ સાઉથ કોરિયાને F-35 કૉમ્બેટ ઍરક્રાફ્ટનો કાફલો ઉડાવવા કહ્યું હતું, જેથી નૉર્થ કોરિયાને મેસેજ મળે કે તમે મિસાઇલ છોડો એ પહેલાં જ અમે F-35માંથી હુમલા કરીને મિસાઇલને ઊડતા પહેલાં જ નષ્ટ કરી દઈશું. સાઉથ કોરિયાએ અમેરિકાએ આપેલા F-35નો વિશાળ કાફલાને ઉડાવ્યો હતો. આ રીતે નૉર્થ કોરિયા પર F-35નો ડર બેસાડવા માટેની કોશિશ કરવામાં આવી હતી. જોકે નૉર્થ કોરિયા એનાથી ડરી જાય એવી શક્યતા નહીંવત છે, કેમ કે એની પાસે ગુમાવવા માટે ખાસ નથી.

નોંધપાત્ર છે કે દુનિયાના બહુ થોડા દેશોની પાસે ઇન્ટરકૉન્ટિનેન્ટલ મિસાઇલ છે. નૉર્થ કોરિયાની પાસે આવું મિસાઇલ છે. અમેરિકા આ મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે પરંતુ રશિયા અને ચીન દ્વારા નૉર્થ કોરિયાનો સતત બચાવ કરવામાં આવી રહ્યો છે બલકે રશિયાએ તો ત્યાં સુધી કહ્યું કે અમેરિકા નૉર્થ કોરિયાની ધીરજની પરીક્ષા લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નૉર્થ કોરિયાનો ઉત્સાહ વધતો રહે છે. 

international news north korea united states of america