કોરોનાની રસીનું કામ કરતા રશિયન વિજ્ઞાનીનું રહસ્યમય મોત

22 December, 2020 12:43 PM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

કોરોનાની રસીનું કામ કરતા રશિયન વિજ્ઞાનીનું રહસ્યમય મોત

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની રસી તૈયાર કરવાના કામમાં જોડાયેલા રશિયાના એક ટોચના વૈજ્ઞાનિકનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ ૪૫ વર્ષના વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી પોતાના ફ્લૅટના ૧૪મા માળેથી નીચે પડ્યા હતા. ઘટના  ઘટી ત્યારે તેઓ ફક્ત અન્ડરવેઅરમાં હતા.

પોલીસ હત્યા મામલે પણ તપાસ કરી રહી છે અને ૪૫ વર્ષના એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત પણ થઈ છે. કથિત રીતે વૈજ્ઞાનિકના શરીર પર ચાકુથી હુમલો કર્યાના નિશાન પણ છે. અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી બાયોલૉજિસ્ટ તરીકે કામ કરતા હતા અને બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા હતા. લગભગ ૧૩ વર્ષ સુધી તેમણે સ્કૉટલૅન્ડમાં કામ કર્યું હતું.

રશિયન અખબારના રિપોર્ટ મુજબ કગનસ્કી કોરોના વાઇરસની રસી તૈયાર કરવામાં કામે લાગેલા હતા અને તેમનું મોત અજીબોગરીબ સ્થિતિમાં થયું છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે કોરોનાની કઈ રસી પર તેઓ કામ કરતા હતા.

રશિયાની એક યુનિવર્સિટીમાં કગનસ્કીએ સેન્ટર ફૉર જીનોમિક ઍન્ડ રિજેનેરેટિવ મેડિસિનના ડિરેક્ટરના પદે પણ કામ કર્યું હતું. રશિયન મીડિયા રિપોર્ટ મુજબ પોલીસનું માનવું છે કે ફ્લૅટના ૧૪મા માળેથી નીચે પડતાં પહેલાં વૈજ્ઞાનિકનો કોઈની સાથે ઝઘડો થયો હતો. હાલમાં જ રશિયન સરકારે તેમને રિસર્ચ માટે એક ગ્રાન્ટ પણ આપી હતી.

coronavirus covid19 international news russia moscow