"મુસ્લિમવિરોધી નરેન્દ્ર મોદી પાકિસ્તાનને રમકડું ન સમજે"

23 October, 2014 06:30 AM IST  | 

"મુસ્લિમવિરોધી નરેન્દ્ર મોદી પાકિસ્તાનને રમકડું ન સમજે"




ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનવિરોધી અને મુસ્લિમવિરોધી છે એમ કહીને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ગઈ કાલે મોદીની આકરી ટીકા કરી હતી. પરવેઝે કહ્યું હતું કે શાંતિપ્રક્રિયા બાબતે મોદી પાકિસ્તાનને તેમની શરતે કામ કરાવી ન શકે.

એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં પરવેઝે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી તમારા વડા પ્રધાન છે, પાકિસ્તાનના નહીં. અમને તેમની પાસેથી આદેશોની જરૂર નથી. મોદીને અમે બરાબર ઓળખીએ છીએ. મોદીના મુસ્લિમવિરોધી વલણથી અમે વાકેફ છીએ.’

મુશર્રફે ઉમેર્યું હતું કે ‘પાકિસ્તાનના લોકોએ કે વિદેશસચિવે હુર્રિયતના નેતાઓને મળવું ન જોઈએ એ કદાચ રેડલાઇન હશે, પણ એ સીમા અમારા માટે નથી. અમે તમારી રેડલાઇનને નથી અનુસરતા.’

ભૂતપૂર્વ વડા પ્રધાનો અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહ સાથે વ્યાપક મંત્રણા કરી ચૂકેલા મુશર્રફે જણાવ્યું હતું કે ‘હું તો હુર્રિયતના નેતાઓને ભારત આવ્યો ત્યારે દરેક વખતે મળતો હતો. અચાનક હૃદયપરિવર્તન કેમ થયું? આ બાબત વડા પ્રધાન મોદીના પાકિસ્તાનવિરોધી વલણને પુરવાર કરે છે.’

નવાઝ શરીફના વડપણ હેઠળની પાકિસ્તાની સરકારનું વલણ શાંતિપ્રક્રિયા બાબતે અત્યંત હકારાત્મક હોવાનો દાવો કરતાં મુશર્રફે કહ્યું હતું કે ‘વાસ્તવમાં શરીફસરકાર ભારતને વધારે પડતી ખુશ કરી રહી હોવાથી તેમની બદનામી થઈ રહી છે. પાકિસ્તાન પરત્વેના તમારા ઇરાદા શુભ નથી એ વાત પાકિસ્તાનીઓ બરાબર જાણે છે.’

પાકિસ્તાનને સંબંધ છે ત્યાં સુધી મોદીએ નકારાત્મક રીતે શરૂઆત કરી હોવાનો આક્ષેપ કરતાં મુશર્રફે કહ્યું હતું કે ‘પોતે મુસ્લિમવિરોધી તથા પાકિસ્તાનવિરોધી છે એવી છાપ સાથે મોદીએ શરૂઆત કરી હતી અને પાકિસ્તાનમાં અમને એ વાત સમજાય છે. મોદીએ પાકિસ્તાન સાથે ઘર્ષણનો માર્ગ અખત્યાર કર્યો છે. તેમણે રેડલાઇન દોરી છે એ શાંતિપૂર્ણ નથી. તેમણે નવાઝ શરીફને આમંત્રણ આપ્યું તો નવાઝ નવી દિલ્હી ગયા હતા, પણ નવાઝે તેમને આમંત્રણ આપ્યું ત્યારે મોદી ઇસ્લામાબાદ આવ્યા નથી.’