મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા

09 January, 2021 03:01 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા

જકી-ઉર-રહમાન લખવી

તાજેતરમાં જ પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલા મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કરી કમાન્ડર જકી-ઉર-રહમાન લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની જેલની સજા ફરમાવી છે. આતંકવાદીઓની મદદ તથા તેમને પૈસા પહોંચતા કરવાના આરોપ હેઠળ લખવીની ધરપકડ કરવામાં આવી હતી. હાફિઝ સઈદ સાથે મળીને લખવીએ ૨૬ નવેમ્બરના મુંબઈ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.

આતંકવાદીઓની મદદ કરવાના આરોપી લખવી પર પહેલાં દવાખાનું ચલાવવાના, ભેગા કરાયેલા પૈસાનો ઉપયોગ આતંકવાદને પોષવા નાણાકીય સહાય કરવાનો આરોપ મુકાયો હતો.

આજે પણ જેને યાદ કરીને કંપારી છૂટે છે તે ૨૬ નવેમ્બરના હુમલાના દિવસે લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકવાદીઓએ મુંબઈમાં બૉમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર કરીને શહેરને હચમચાવ્યું હતું. આ હુમલામાં ૧૬૦ કરતાં વધુ લોકોનું મૃત્યુ થયું હતું તથા ૩૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા.

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા પાકિસ્તાનના એક આતંકવાદીની ધરપકડ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાથી કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં પંજાબના મિયાનવાલી સૅક્ટરના મોહલ્લા મિયાનીના રહેવાસી મોહમ્મદ વકાર અવાનને શરૂઆતના સમયમાં હથિયાર ચલાવવાની તાલીમ લખવીએ જ આપી હતી. ડિસેમ્બર, ૨૦૦૮માં લખવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

international news islamabad pakistan 26/11 attacks