અમેરિકામાં ટીનેજરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ૪નાં મોત, ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું

09 September, 2022 08:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બુધવારે રાત્રે એક વાગ્યાની આસપાસ ગોળીબારની શરૂઆત થઈ હતી, જે કલાકો સુધી ચાલી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકાના ટેનેસીના સિટી મેમફિસમાં ૧૯ વર્ષના એક ટીનેજરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ચાર જણનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણને ઈજા થઈ હતી. આખરે આ ટીનેજરની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી ગોળીબારની એક ઘટનાનું ફેસબુક લાઇ‍વ પર સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે આખરે ઇઝેકિયલ કેલીની ધરપકડ કરવામાં આવી હતી.

બુધવારે રાત્રે એક વાગ્યાની આસપાસ ગોળીબારની શરૂઆત થઈ હતી, જે કલાકો સુધી ચાલી હતી. પોલીસ આ હુમલાખોરની તપાસ કરી રહી હતી ત્યારે આ શહેરના અમુક વિસ્તારના લોકોને સુર​ક્ષિત જગ્યાએ આશરો લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પ્રથમ ગોળીબાર રાત્રે ૧૨.૫૬ વાગ્યે થયો હતો, જેમાં એક પુરુષનું મોત થયું હતું. થોડા કલાકો બાદ ઑફિસર્સને બીજા એક ગોળીબારની વિગતો મળી, જેમાં પણ એક પુરુષ તેના વેહિકલ સાથે મૃત અવસ્થામાં મળ્યો હતો. તેને અનેક ગોળી વાગી હતી. આ હુમલાખોરે બાદમાં એક મહિલાને ઇન્જર્ડ કરી હતી. ઇઝેકિયલ કેલીએ જ્યારે જેક્સન એવોન્યુમાં એક સ્ટોરમાં ગોળીબાર કર્યો હતો ત્યારે તે ફેસબુક પર લાઇવ હતો. બાદમાં પણ તેણે કેટલીક જગ્યાએ ગોળીબાર કર્યા હતા.

international news united states of america Crime News