મુકેશ અંબાણીને કારણે ફેસબુક માલામાલ

04 February, 2017 03:41 AM IST  | 

મુકેશ અંબાણીને કારણે ફેસબુક માલામાલ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની સંરક્ષણવાદી નીતિથી ભારતીય IT કંપનીઓના શ્વાસ થંભી ગયા છે ત્યારે આવેલા એક સમાચારમાંથી ડોનલ્ડ ટ્રમ્પને શિખામણ મળી શકે છે.

અમેરિકાની સોશ્યલ મીડિયા કંપની ફેસબુકના વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાના નફામાં જોરદાર ઉછાળો નોંધાયો છે અને એ વધારાનું કારણ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે. ચોથા ત્રિમાસિક ગાળાના શાનદાર આંકડાઓમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓ ઇન્ફોકૉમનું મોટું યોગદાન છે. ફેસબુકે જણાવ્યું છે કે યુઝરબેઝના સંદર્ભમાં ભારત એનું સૌથી મોટું માર્કેટ બની રહ્યું છે.

ફેસબુક ઇન્કૉર્પોરેટેડની ચોથા ક્વૉર્ટરની રેવન્યુ ૮.૮૧ અબજ ડૉલર રહી હતી, જેમાંથી ૧.૩૫ અબજ ડૉલરનો સંબંધ એશિયા રીજન સાથે છે. ગયા વર્ષે કંપનીની કુલ રેવન્યુ ૫.૮૪ અબજ ડૉલરની રહી હતી. ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ક્વૉર્ટરમાં ફેસબુકને ૩.૫૭ અબજ ડૉલરનો ચોખ્ખો નફો થયો હતો, જે એક વર્ષ પહેલાંના સમાન સમયગાળાના ૧.૫૬ અબજ ડૉલરના બમણાથી પણ વધારે છે.

કંપનીની અર્નિંગ્સ બાબતે વાત કરતાં ફેસબુકના CFOએ જણાવ્યું હતું કે ‘એશિયામાં કંપનીની વૃદ્ધિનું કારણ ભારતમાં ઑફર કરવામાં આવતો ફ્રી ડેટા પણ છે. ચોથા ક્વૉર્ટરમાં ભારત જેવાં સ્થળોએ થર્ડ પાર્ટી પ્રમોશન ડેટા પ્લાનમાં વૃદ્ધિ જોવા મળી હતી.’

તેઓ ભારતમાં ટેલિકૉમ ક્ષેત્રમાં થોડા સમય પહેલાં જ પ્રવેશેલી રિલાયન્સ જીઓ તરફથી ઑફર કરવામાં આવતા ફ્રી ડેટાની વાત કરી રહ્યા હતા. રિલાયન્સ જીઓ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ટેલિકૉમ માર્કેટમાં પ્રવેશી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે એ હાલ વૉઇસ અને ડેટા ચાર્જ વસૂલ કરતી નથી. આ ઑફર કંપનીએ ૩૧ માર્ચ સુધી લંબાવી છે. રિલાયન્સ જીઓની આ ઑફરને કારણે અન્ય પ્રાઇવેટ ટેલિકૉમ કંપનીઓએ પણ તેમની ડેટા-પ્રાઇસમાં ઘટાડો કરવો પડ્યો છે.

ચોથા ક્વૉર્ટરના અંતે ભારતમાં ફેસબુકના ઍક્ટિવ યુઝર્સની કુલ સંખ્યા ૧૬.૫ કરોડ હતી, જે કંપનીનો અમેરિકા પછીનો યુઝર્સનો વિશ્વનો સૌથી મોટો આંકડો છે. કૅલિફૉર્નિયાસ્થિત આ કંપનીના કન્ઝ્યુમર-બેઝમાં વાર્ષિક દરે ૧૮ ટકા વૃદ્ધિ થઈ હતી અને એના દૈનિક ઍક્ટિવ યુઝર્સનો આંકડો ૧.૨૩ અબજ પર પહોંચી ગયો હતો. એમાંથી ૩૯.૬ કરોડ યુઝર્સ એશિયાના છે.

ડેટા-યુસેજનો હિસાબકિતાબ રાખતી સ્માર્ટઍપના તાજેતરના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ જીઓની ફ્રી ડેટા ઑફરનો સૌથી વધુ લાભ ફેસબુકને મળી રહ્યો છે. જીઓ તરફથી આ ઑફર શરૂ કરવામાં આવી એ પછી ફેસબુકના લૉગ-ઇનમાં ૪૬૭ ટકા વધારો થયો હતો. આ ઑફરથી સૌથી વધુ લાભ થયો હોય એવી બીજા ક્રમની ઍપમાં યુટ્યુબ, હૉટસ્ટાર, ઍમેઝૉન પ્રાઇમ અને નેટફ્લિક્સનો સમાવેશ છે. આ બધી ઍપના વપરાશમાં ૩૩૬ ટકા વધારો નોંધાયો છે.

આ સાથે સોશ્યલ નેટવર્કિંગ કંપની દ્વારા કરવામાં આવતી કર્મચારીઓની ભરતીમાં વધારો થવાની આશા છે. ફેસબુક વિડિયો કન્ટેન્ટમાં વધારે રોકાણ પણ કરી શકે છે.