ઑસ્ટ્રેલિયામાં ૧૨ સંતાનોની માતાએ એકસાથે પાંચ બાળકોને જન્મ આપ્યો

06 September, 2012 05:25 AM IST  | 

ઑસ્ટ્રેલિયામાં ૧૨ સંતાનોની માતાએ એકસાથે પાંચ બાળકોને જન્મ આપ્યો

ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ- આ જાણીતી ઉક્તિ ઑસ્ટ્રેલિયાની એક મહિલા માટે શબ્દશ: સાચી ઠરી છે. મેલબૉર્ન શહેરમાં રહેતી ૪૮ વર્ષની મહિલાએ શહેરની હૉસ્પિટલમાં એકસાથે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ મહિલા ઑલરેડી ૧૨ સંતાનો ધરાવે છે. આ મહિલાએ બે દીકરા અને ત્રણ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે ડિલિવરી વખતે જ એક બેબી ગર્લનું મૃત્યું થયું હતું.

મેલબૉર્નમાં છેલ્લા ત્રણ દાયકામાં પહેલી વાર કોઈ મહિલાએ એકસાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે. આ ડિલિવરી માટે ૩૦ જેટલા નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે સિઝેરિયન ઑપરેશન દ્વારા અત્યંત અઘરી ડિલિવરી પાર પાડી હતી. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે દર પાંચ કરોડમાં એક કેસમાં એકસાથે પાંચ બાળકો જન્મે એવા ચાન્સ હોય છે. જ્યાં આ ઐતિહાસિક ડિલિવરી થઈ હતી એ મેલબૉર્નના મોનાશ મેડિકલ સેન્ટરના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે એક શિશુના મોતને બાદ કરતાં અન્ય તમામ નવજાત શિશુઓ તથા માતાની હાલત સારી છે. બચી ગયેલા ચારે શિશુઓને રાઉન્ડ ધ ક્લૉક દેખભાળ રાખવામાં આવી રહી છે. ઑસ્ટ્રેલિયન મિડિયાના રિપોર્ટ પ્રમાણે હવે ૧૭ સંતાનો ધરાવતાં દંપતીએ પોતાની ઓળખ જાહેર નહીં કરવાની વિનંતી કરી હતી. ઑસ્ટ્રેલિયામાં છેલ્લે વિક્ટોરિયામાં ૧૯૮૦માં એકસાથે ૧૧ પ્રિમૅચ્યોર બેબીનો જન્મ થયો હતો. જોકે તેમાંથી એક પણ શિશુને બચાવી શકાયું ન હતું.