કોઈ પણ નાગરિક ઈદ પર બકરાની કે કોઈ પણ પ્રાણીની કુરબાની નહીં આપી શકે : મૉરોક્કોના રાજાનું શાહી ફરમાન

05 June, 2025 06:58 AM IST  |  Morocco | Gujarati Mid-day Correspondent

રાજાના આ નિર્ણય પછી અધિકારીઓએ પ્રાણીઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને ગુપ્ત રીતે કુરબાની માટે લાવવામાં આવેલાં ઘેટાં ઘરોમાંથી જપ્ત કરવામાં આવ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

૯૯ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઇસ્લામિક દેશ મૉરોક્કોએ બકરી ઈદ નિમિત્તે અપાતી કુરબાની અંગે કડક આદેશો આપ્યા છે કે કોઈ પણ નાગરિક ઈદ પર બકરા અથવા અન્ય કોઈ પણ પ્રાણીની કુરબાની નહીં આપી શકે. મૉરોક્કોના રાજા મોહમ્મદ VIએ આ આદેશ આપ્યો છે જેને લઈને લોકો ખૂબ ગુસ્સે છે અને વિરોધમાં રસ્તાઓ પર ઊતરી આવ્યા છે, કારણ કે તેમના આદેશ બાદ સુરક્ષા દળોએ ઘણાં શહેરોમાં કુરબાની રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજાના આ નિર્ણય પછી અધિકારીઓએ પ્રાણીઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને ગુપ્ત રીતે કુરબાની માટે લાવવામાં આવેલાં ઘેટાં ઘરોમાંથી જપ્ત કરવામાં આવ્યાં છે.

મૉરોક્કોના રાજાએ શા માટે લેવો પડ્યો નિર્ણય?

મોહમ્મદ VIએ ભયંકર દુકાળને કારણે પ્રાણીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે નાગરિકોએ આ અઠવાડિયે આવતા બકરી ઈદના તહેવારની ઉજવણી પ્રાર્થના અને દાન કરીને કરવી જોઈએ અને કુરબાની ટાળવી જોઈએ. ઇસ્લામમાં બકરી ઈદના દિવસે કુરબાનીને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે.

morocco bakri eid festivals islam religion international news news world news