મન્કીપૉક્સને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરાઈ

24 July, 2022 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડબ્લ્યુએચઓ અનુસાર દુનિયાભરના તમામ દેશોએ આ મહામારીનો સામનો કરવા માટે સાથે મળીને પગલાં લેવાં પડશે, વૅક્સિન્સની સારીએવી શૉર્ટેજ છે

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન ઃ દુનિયાભરમાં મન્કીપૉક્સના કેસ વધી રહ્યા છે એટલે જ હવે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ મન્કીપૉક્સની બીમારીને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી છે, જે ડબ્લ્યુએચઓનું સૌથી ગંભીર સ્તરનું અલર્ટ છે. ડબ્લ્યુએચઓના ડિરેક્ટર-જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. 
ડબ્લ્યુએચઓની ‘આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક પબ્લિક હેલ્થ ઇમર્જન્સી’ અલર્ટ આપવાનો હેતુ એ છે કે દુનિયાભરના તમામ દેશોએ આ મહામારીનો સામનો કરવા માટે સાથે મળીને પગલાં લેવાં પડશે તેમ જ એના માટે ભંડોળ ફાળવવું પડશે અને વૅક્સિન્સ અને સારવારની આપલે માટે વૈશ્વિક સ્તરે સહકાર આપવો પડશે. 
એક એક્સપર્ટ કમિટીના મેમ્બર્સ ગુરુવારે આ મહામારીનો સામનો કરવા માટેની ભલામણો વિશે ચર્ચા કરવા મળ્યા હતા, જેમાં બે જૂથમાં મેમ્બર્સ વહેંચાઈ ગયાં હતાં. આખરે અંતિમ નિર્ણય ડબ્લ્યુએચઓના ડિરેક્ટર-જનરલ દ્વારા લેવામાં આવ્યો હતો. 
ટેડ્રોસે કન્ફર્મ કર્યું હતું કે આ કમિટી સર્વાનુમતી સાધવામાં નિષ્ફળ રહી હતી. નવ સભ્યો ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવાની વિરુદ્ધ હતા જ્યારે છ એની તરફેણમાં હતા 
સામાન્ય રીતે ટેડ્રોસ એક્સપર્ટ કમિટીની ભલામણોને માન્ય રાખતા હોય છે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે કદાચ એટલા માટે ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી કે વૅક્સિન્સ અને સારવારની શૉર્ટેજ છે અને કેસ વધી રહ્યા છે. 
અત્યાર સુધીમાં માત્ર કોરોનાની મહામારી તેમ જ પોલિયો નાબૂદી માટેના ચાલી રહેલા પ્રયાસોમાં જ ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. 
ડબ્લ્યુએચઓ અને જુદા-જુદા દેશોની સરકારો પર મન્કીપૉક્સની બીમારીને રોકવા માટે વધુ ઍક્શન લેવા માટે વિજ્ઞાનીઓ અને પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સનું ખૂબ જ પ્રેશર છે. 
ટેડ્રોસે કહ્યું હતું કે મન્કીપૉક્સ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને યોગ્ય ગ્રુપ્સ દ્વારા યોગ્ય વ્યૂહરચનાથી એને અટકાવી શકાશે. 
અત્યારે મન્કીપૉક્સ માટે કોઈ ચોક્કસ ટ્રીટમેન્ટ નથી. દરદીઓએ સામાન્ય રીતે સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં ઍડ્મિટ રહેવું પડે છે, જેથી ઇન્ફેક્શન ફેલાય નહીં અને સામાન્ય લક્ષણોની સારવાર થઈ શકે.
નોંધપાત્ર છે કે કેરલામાં અને સાથે ભારતમાં મન્કીપૉક્સનો ત્રીજો કેસ
આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં યુએઈથી કેરલામાં આવેલા ૩૫ વર્ષના એક પુરુષની મન્કીપૉક્સની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.  

world news coronavirus