કેનેડાની ક્રિપ્ટોકરન્સી કંપનીના CEO ના અચાનક મોતથી ફસાયા કરોડો રૂપિયા

06 February, 2019 11:00 AM IST  | 

કેનેડાની ક્રિપ્ટોકરન્સી કંપનીના CEO ના અચાનક મોતથી ફસાયા કરોડો રૂપિયા

કેનેડાના ફર્મમાં ઈન્વેસ્ટરોના કરોડો રૂપિયા ફસાયા

જરા વિચારો, તમારી તિજોરીમાં કરોડો રૂપિયા છે. લગભગ 974 કરોડ રૂપિયા પણ તેની ચાવી જ નથી તો શું થાય? આવું જ કાંઈક થયું છે કેનેડાની ક્રિપ્ટોકરન્સીની કંપની ક્વાડ્રિગા ડિજિટલ એક્સચેન્જ સાથે. ઑનલાઈન સ્ટાર્ટઅપ કંપનીએ કરોડોનું રોકાણ બિટકોઈન, લિટકોઈન, ઈથર જેવા ડિજિટલ ટોકનમાં કર્યું હતું. અને આ વૉલેટનું એક્સેસ એક એવા વ્યક્તિ પાસે જેનું મોત થઈ ગયું છે. અને પાસવર્ડ બીજા કોઈ પાસે જ નથી.

કંપનીના CEOનું થયું મોત
ક્વાડ્રિગા કંપનીના CEO ગેરાલ્ડ કૉટનનું 9 ડિસેમ્બરના દિવસે ભારતમાં તબિયત ખરાબ થતા મોત થઈ ગયું. ગેરાલ્ડ સુરક્ષાને ખુબ જ મહત્વ આપતા હતા. જેના કારણે તેમણે પોતાનું લેપટોપ, ઈ-મેઈલ અને તમામ મેસેજિંગ ચેનલ્સ એન્ક્રિપ્ટ કરીને રાખ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ કંપની ચલાવી રહ્યા હતા. ગેરાલ્ડ પોતાના ફંડ, કૉઈન અને બેંકિંગથી લઈને અકાઉંટિંગ સુધીના કામ પોતે જ સંભાળતા હતા. તેમણે પોતાના તમામ કોઈન્સનો એક મોટો હિસ્સો કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો.

કોર્ટમાં પહોંચ્યો કેસ
ગેરાલ્ડની પત્નીએ આ મામલે કોર્ટમાં રજૂઆત કરી છે. ગેરાલ્ડની પત્નીએ કહ્યું કે કોટેનના મેઈન કમ્પ્યૂટરમાં બધી વિગતો છે. તેનો પાસવર્ડ માત્ર કોટેન પાસે છે. તેમણે પાસવર્ડ રીકવર કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. કમ્પ્યૂટર હેક કરવાના નિષ્ણાંતોને પણ બોલાવવામાં આવ્યા પરંતુ કોઈ યુક્તિ કારગત નથી નિવડી. જેના કારણે કરોડોની ક્રીપ્ટોકરન્સી ફસાઈ ગઈ છે.

ભારે નુકસાનની આશંકા
31 જાન્યુઆરીએ ફર્મની વેબસાઈટ પર એક નોટિસ મુકવામાં આવી જેમાં કંપનીએ નોવા સ્કોશિયા કોર્ટમાં ઉધાર લેનારની સુરક્ષા માટે આગ્રાહ કર્યો છે. કંપનીએ કહ્યું કે નાણાંકિય કારણોથી તે પોતાના ગ્રાહકોને કેટલીક સુવિધાઓ નહીં આપી શકે. કંપનીએ કહ્યું કે તેઓ આ સંકટ સામે લડવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. થોડા સમયમાં આ મામલે સુનાવણી થશે. જો કે હાલ તો કંપનીમાં રોકાણ કરનારા લોકોના 947 કરોડ રૂપિયા ફસાયા છે.