બાળકો માટે મમ્મીએ ઘર ભરીને ખરીદી ગિફ્ટ

24 December, 2018 09:46 PM IST  | 

બાળકો માટે મમ્મીએ ઘર ભરીને ખરીદી ગિફ્ટ

મમ્મીએ બાળકો માટે કર્યો ગિફ્ટનો ઢગલો


ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડની વચ્ચે આવેલા આઇસ્લે ઑફ મૅન ટાપુ પર રહેતી એમા ટૅપિંગ નામની ૩૮ વર્ષની હરખપદૂડી મહિલાએ પોતાનાં ત્રણ સંતાનોને ક્રિસમસની ભેટરૂપે આપવા માટે એટલીબધી ગિફ્ટ્સ લીધી છે કે ન પૂછો વાત. કદાચ તેમનાં સંતાનો ગિફ્ટ-રૅપ ખોલીને થાકી જશે, પણ ભેટોનો ઢેર પૂરો નહીં થાય. એનું કારણ એ છે કે આ બહેને નાની-નાની કરીને એટલી ભેટો આપી છે કે તેના ઘરમાં સજાવેલું લગભગ ચાર ફુટનું ક્રિસમસ ટ્રી સાવ જ ઢંકાઈ ગયું છે. આટલી ગિફ્ટ્સ ખરીદવા માટે એમાએ લગભગ બે હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૧.૭૭ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બહેને આ તસવીર સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને પોતે સંતાનોને કેટલા પ્રેમથી રાખે છે એ જતાવવાની કોશિશ કરેલી, પરંતુ લોકોએ આ વાતને અવળી રીતે લીધી. કમેન્ટ કરનારા મોટા ભાગના લોકોનું કહેવું છે કે આટલીબધી ગિફ્ટ્સ સંતાનોને આપવાથી તેમને કોઈ ગિફ્ટની કિંમત નહીં રહે, જ્યારે બીજી તરફ દુનિયામાં એવાં લાખો બાળકો છે જેઓ એક નાનકડી ભેટ સૅન્ટા તરફથી મેળવવા માટે તડપે છે

ક્રિસમસ અને સૅન્ટાની ગિફ્ટનો હેતુ નાની-નાની ગિફ્ટ્સ થકી બાળકોને આનંદિત કરવાનો છે. લોકોએ એમાના સ્વાર્થીપણા માટે બહુ માછલાં ધોયાં હોવા છતાં બહેન અડગ છે. તેમનું કહેવું છે મારાં સંતાનોને ખુશ રાખવા માટે મેં આ કર્યું છે અને ફરી પણ કરતી રહીશ.