19 June, 2025 12:37 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ કૅનેડામાં આયોજિત G7 સમિટમાં મળી શક્યા નહોતા, કારણ કે ટ્રમ્પને કોઈ અર્જન્ટ કામસર અમેરિકા પાછા ફરવું પડ્યું હતું, પણ ગઈ કાલે આ બે નેતાઓએ ફોનમાં ૩૫ મિનિટ સુધી વાતચીત કરી હતી.
ભારતે ૭ મેએ ઑપરેશન સિંદૂર શરૂ કર્યા પછી પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો હતો અને ત્રણ દિવસ પછી યુદ્ધવિરામ કરાર થયો એ પહેલાં મહત્ત્વપૂર્ણ લશ્કરી સ્થાનો પર હુમલો કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ ભારત અને અમેરિકાના આ બે ટોચના નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.
આ સંદર્ભમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગઈ કાલે ૪.૪૦ મિનિટનું એક વિડિયો-નિવેદન જારી કર્યું હતું અને એમાં તેમણે વડા પ્રધાન મોદી અને પ્રેસિડન્ટ ટ્રમ્પ વચ્ચે વાતચીતની જાણકારી આપી હતી. આ વાતચીતમાં વડા પ્રધાન મોદીએ પ્રેસિડન્ટ ટ્રમ્પને ઑપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી.
વાતચીતમાં વડા પ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી હતી કે ઑપરેશન સિંદૂરના સંદર્ભમાં ૭-૧૦ મે દરમ્યાન અમેરિકા સાથે વેપાર સંબંધિત કોઈ વિષય પર ચર્ચા થઈ નથી. વડા પ્રધાને એ બાબતનો પણ પુનરોચ્ચાર કર્યો કે ભારતે ક્યારેય ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ આવી મધ્યસ્થી સ્વીકારશે નહીં.
વધુમાં વડા પ્રધાન મોદીએ ભાર મૂક્યો કે ભારત હવે આતંકવાદનાં કૃત્યોને પ્રૉક્સી-વૉર તરીકે નહીં, પરંતુ ઍક્ટ ઑફ વૉર ગણશે.
ટ્રમ્પે મોદીને અમેરિકા આવવા કહ્યું, પણ તેઓ આ આમંત્રણ સ્વીકારી શક્યા નહીં : સરકાર
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડામાં G7 સમિટમાંથી પાછા ફરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકામાં રોકાવાનું કહ્યું હતું. જોકે વડા પ્રધાન મોદી તેમના પહેલાંથી જ નિર્ધારિત કાર્યક્રમોને કારણે આ આમંત્રણ સ્વીકારી શક્યા નહોતા. બન્ને નેતાઓ નજીકના ભવિષ્યમાં મળવા સંમત થયા હતા.