ઓસ્ટ્રેલિયા પહોંચતા એક દિવસ લાગે, મને 28 વર્ષ લાગ્યાઃ મોદી

17 November, 2014 10:54 AM IST  | 

ઓસ્ટ્રેલિયા પહોંચતા એક દિવસ લાગે, મને 28 વર્ષ લાગ્યાઃ મોદી



સિડની,તા.17 નવેમ્બર



મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યુ કે હુ તેમની વાતો યાદ કરુ ત્યારે એવુ લાગે છે કે તે મહાપુરૂષ કેટલા દીદ્યદ્રષ્ટ્રા હતા.આઝાદીના 50 વર્ષ પહેલા તેમણે કહયુ હતુ કે 50 વર્ષ માટે ભારતીયો પોતાના દેવી-દેવતાને ભૂલી જાય અને ભારત માતાની પૂજા કરે.તેના 50 વર્ષ બાદ ભારત આઝાદ થઈ ગયુ.

મારુ એ સૌભાગ્ય છે કે હુ આઝાદ ભારતમાં જન્મયો છુ અને તેના કારણે મારા પર વધારે જવાબદારી હોય તેવો મને એહસાસ થાય છે.આપણા અંતરમાં એક જ વાત હોવી જોઈએ કે અમે અમારા દેશ માટે જીવીશુ.દેશ માટે જ ઝઝુમીશુ આ વાત જ મારે દેશવાસીઓના દિલમાં પ્રસરાવવી છે.પીએમે કહ્યુ હતુ કે ભારત માતા પાસે 250 કરોડ ભૂજાઓ છે અને જો તે એક વાર સંકલ્પ કરે તો કંઈ પણ કરી શકે છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે આજે ભારતથી ઓસ્ટ્રેલિયા પહોંચવા માટે એક દિવસનો સમય લાગે છે પણ મને અહીં પહોંચતા 28 વર્ષ લાગ્યા.હવે આવી લાંબી રાહ નહી જોવી પડે.

પ્રધાનમંત્રીએ ક્રિકેટનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે ક્રિકેટે ભારત અને ઓસ્ટ્રેલિયાને જોડ્યુ છે.બંને દેશ ક્રિકેટ વગર જીવી શકે તેમ નથી.લોકતંત્ર બંને દેશોની ધરોહર છે.તેમણે કહ્યુ હતુ કે ભારત આંકાક્ષાઓથી ભરેલો દેશ છે.અમારા દેશની એક તૃતીયાંશ આબાદી 35 વર્ષથી ઓછી ઉંમરની છે.તો આપણે જે ઈચ્છીએ તે કેમ ન કરી શકીએ.

ઓસ્ટ્રેલિયા માટે ભારતીયોનુ યોગદાન યાદ કરતા પીએમે કહ્યુ કે ઘણા એવા ભારતીય મૂળના લોકો છે અને હતા જેમણે ભારત માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે.મોદીએ કહ્યુ હતુ કે અમારી પ્રકૃતિ જ એવી છે કે જયાં જઈએ તેના થઈ જઈએ છીએ.

પીએમે કહ્યુ કે આપણે નાના લોકો માટે મોટા કામ કરવાના છે.તેમણે સ્વચ્છતા અભિયાન અને દેશભરમાં બાળકીઓ માટે અલગ ટોયલેટ બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે ધન જન યોજના અંગે કહ્યુ કે જે કામ માટે અમે 150 દિવસનો સમય માંગ્યો હતો તે લક્ષ્ય અમે માત્ર દસ સપ્તાહ એટલે કે 70 દિવસમાં પરિપૂર્ણ કરી લીધુ.70મા દિવસે જીરો બેલેન્સ પર સાત કરોડથી વધારે ખાતા ખોલવામાં આવ્યા અને  લોકોએ પોતાની ઈમાનદારીથી પાંચ હજાર કરોડથી વધારે રકમ જમા કરાવી.

મોદીએ કહ્યુ કે ઓસ્ટ્રેલિયા પાસેથી જોઈ કંઈ શિખવાનું હોય તો તે એ છે કે દરેક શ્રમનુ સન્માન કરો.અહીંના લોકો કોઈ પણ કામ કરનારી વ્યકિતને એકસમાન રીતે જુએ છે.સફાઈ કરવી કે કચરો ઉપાડવો એ ગંદુ કે નાનુ કામ નથી.આ તો ગરીબોની સેવા છે.સફાઈના કારણે ગરીબ લોકો બીમાર નહી પડે.આ જ કામ આજે ભારતમાં એક અભિયાનની રીતે ચલાવવામાં આવી રહ્યુ છે.હુ આ અભિયાનમાં સામેલ દરેક વર્ગના લોકોને અભિનંદન આપુ છુ.