ઓસ્ટ્રેલિયા ભારતને યૂરેનિયમ પુરૂ પાડવા ઈચ્છુક : ટોની અબૉટ

18 November, 2014 06:36 AM IST  | 

ઓસ્ટ્રેલિયા ભારતને યૂરેનિયમ પુરૂ પાડવા ઈચ્છુક : ટોની અબૉટ




કેનબરા : તા, 18 નવેમ્બર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની અબૉટે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પાંચ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતાં. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ ભારતને યૂરેનિયમ પુરૂ પાડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી જે ભારત માટે ખુબ જ મહત્વની છે. ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે તે શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે ભારતને યૂરેનિયમ આપવા ઈચ્છુક છે. ઓસ્ટ્રેલિયા જો ભારતને યૂરેનિયમ પુરૂ પાડશે તો ભારતને ઉર્જા ક્ષેત્રે ખુબ જ લાભ થશે. ડિઝલ અને કોલસા પર આધારીત વિજળી ઉત્પાદનની અવેજમાં સસ્તો તથા લાંબાગાળાનો ઉપાય ભારતને હાથ લાગશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને મોદી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફ્રરન્સમાં આ વાત જણાવી હતી. એબોટની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બંને દેશો અસૈન્ય પરમાણુ કરારને ઝડપથી પુરા કરશે જેથી ઓસ્ટ્રેલિયા આ ક્ષેત્રે ભારતનું ભાગીદાર બની શકે.

હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે રહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય વાતચીતમાં જુદા જુદા ક્ષેત્રે 5 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. જે સામાજીક સુરક્ષા, કેદીઓની અદલા બદલી, માદક પદાર્થોના વ્યાપારને નાથવા, પર્યટન અને કળા તથા સંસ્કૃતિને આગળ ધપવવા સાથે સંબંધીત છે. મોદીએ કરારો પર હસ્તાક્ષર કર્યા બાદ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધો રણનૈતિક ભાગીદારી અને સામુહિક મુલ્યો પર આધારીત સ્વાભાવિક ભાગીદારી છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે કૃષિ, કૃષિ સંશોધન, નાણાંકિય, શિક્ષણ તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગની અનેક તકો રહેલી છે.

જ્યારે ટોની એબૉટે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ભારત સાથે ઉર્જા અને સુરક્ષા ઉપરાંત ઈન્ટેલિજન્સ, સૈન્ય સહયોગ, આતંકવાદના વિરોધમાં સહયોગ અને દ્વિપક્ષીય તથા ત્રિપક્ષીય સૈન્ય અભ્યાસમાં સહયોગ કરવા ઈચ્છુક છે. બંને દેશો વચ્ચે વ્યાપારની પણ ઉજળી સંભાવનાઓ રહેલી હોવાનું પણ ટાંક્યું હતું. વ્યાપારનો અર્થ રોજગાર અને આર્થિક સમૃદ્ધિ છે. મતલબ બંને દેશોમાં વધારે રોજગાર અને સમૃદ્ધિ આવશે તેમ અબૉટે જણાવ્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ નજીકના ભવિષ્યમાં જ ભારતને યૂરેનિયમ પુરૂ પાડવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાતથી પરમાણું કરારનો માર્ગ મોકળો બન્યો છે.