મોડર્નાના CEOએ જાહેર કરી કોરોના વેક્સિનની કિંમત

23 November, 2020 11:50 AM IST  |  Berlin | Gujarati Mid-day Online Correspondent

મોડર્નાના CEOએ જાહેર કરી કોરોના વેક્સિનની કિંમત

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના વધતા દર્દીઓ વચ્ચે વેક્સિનની કિંમતોની પણ વિવિધ કંપનીઓ દ્વારા જાહેરાત કરાઈ રહી છે. કોરોનાની અક્સીર વેક્સિન વિકસાવી હોવાનો દાવો કરી રહેલી અમેરિકન કંપની મોડર્નાના સીઇઓ સ્ટીફન બેંસેલે તાજેતરમાં જ વેક્સિનની કિંમત જાહેર કરી છે. તેમણે વેક્સિનના એક ડોઝની અંદાજીત કિંમત 25થી 37 ડૉલર વચ્ચે એટલે કે આશરે 1850થી 2750 રૂપિયા હશે તેવી જાહેરાત કરી છે. પરંતુ આ કિંમત હજી ફાઈનલ નથી. અંતિમ નિર્ણય બાકી છે.

સ્ટીફન બેંસેલે કહ્યું હતું કે, મોડર્નાની કોરોના રસીના એક ડોઝની કિંમત 25થી 37 ડૉલર વચ્ચે (આશરે 1850થી 2750 રૂપિયા) હશે. કેટલાક અહેવાલો પ્રમાણે, ફાઈઝરના એક ડોઝની કિંમત 19.5 ડૉલર (આશરે 1450 રૂપિયા) હોઈ શકે છે. આ પહેલાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા પણ કોરોના વેક્સિનની સંભવિત કિંમતની માહિતી આપી ચૂક્યા છે.

બીજી તરફ, રશિયાએ કહ્યું હતું કે અમારી વેક્સિન સ્પુતનિક-5ના એક ડોઝની કિંમત મોડર્ના અને ફાઈઝર જેવી મોટી કંપનીઓની તુલનામાં ઘણી ઓછી હશે. આ રસી રશિયાનું ગામલેય રિસર્ચ સેન્ટર વિકસિત કરી રહ્યું છે. તેણે 11 ઓગસ્ટના રોજ દુનિયાની પહેલી રસી તરીકે સ્પુતનિક-5નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે, કેન્દ્ર સરકારે એ કંપનીઓની વેક્સિનના ઉપયોગની મંજૂરી અને એના માળખાને લગતી સંભાવનાઓ ચકાસવાનું શરૂ કર્યું છે. આ સાથે તેના લાઇસન્સની પ્રક્રિયા પણ શરૂ થઈ છે.

હાલમાં જ વેક્સિનની કિંમત નક્કી કરવા સહિત આગોતરી ખરીદી કરવા મુદ્દે કેન્દ્ર સરકારે બેઠક કરી હતી. એમાં નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વિનોદ પૉલ, કેન્દ્ર સરકારના ચીફ સાયન્સ એડવાઈઝર કે. વિજયરાઘવન અને આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ હાજર હતા. એમાં નક્કી કરાયું હતું કે, વડાપ્રધાન કાર્યાલય એક સમિતિ રચીને વેક્સિનની કિંમત અને અન્ય નિર્ણયો લેશે. હાલ દેશમાં સીરમ, ભારત બાયોટેક અને આઈસીએમઆરની કો-વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એસ્ટ્રાજેનેકાની વેક્સિનને બ્રિટનમાં ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી છે, એથી ભારતમાં પણ એવું થઈ શકે છે.

કોરોનાની સારવાર માટે એસ્ટ્રાજેનેકા બ્રિટનમાં એન્ટિબોડી સાથે સંકળાયેલું એક પરીક્ષણ કરશે. કંપનીના કહેવા પ્રમાણે, તેની નવી ‘એન્ટિબોડી કોકટેલ’ એક વર્ષ સુધી કોરોના સંક્રમણ નહીં થવા દે. આ પરીક્ષણની શરૂઆત માન્ચેસ્ટરથી થશે. આ નવી ટ્રાયલમાં 5000 ભાગીદારની ભરતી કરાશે. આ પરીક્ષણનો હેતુ આપણા શરીરમાં બનેલા એ પ્રોટીનની માહિતી ભેગી કરવાનું છે, જે ઈમ્યુન સિસ્ટમમાં કુદરતી એન્ટિબોડીની જેમ કામ કરે છે.

coronavirus covid19 international news berlin