અમેરિકન મેકૅનિક દંપતિ ૧૫ અબજ રૂપિયાની લૉટરી જીત્યું

02 December, 2012 04:51 AM IST  | 

અમેરિકન મેકૅનિક દંપતિ ૧૫ અબજ રૂપિયાની લૉટરી જીત્યું


ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. અમેરિકાના એક મધ્યમવર્ગીય કપલ માટે આ વાત સાવ સાચી પુરવાર થઈ છે. હજી હમણાં સુધી માંડ ઘરનો ખર્ચ પૂરો કરી શકતાં માર્ક અને સિન્ડી હીલ નામનાં હસબન્ડ-વાઇફ અમેરિકાના ઇતિહાસની બીજા નંબરની સૌથી મોટી લૉટરી ૨૯,૩૭,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧૫ અબજ રૂપિયા) જીતી ગયાં છે. મિસુરી સ્ટેટના ડિયરબૉર્ન નામના ટાઉનમાં રહેતાં માર્ક અને સિન્ડીએ તેમના શહેરમાં એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને લૉટરીની રકમનો ચેક દર્શાવ્યો હતો.

અમેરિકામાં પાવરબૉલ જૅકપૉટ નામની આ લૉટરીનો ક્રેઝ એટલોબધો હતો કે છેલ્લા દિવસોમાં દર મિનિટે સરેરાશ ૧.૬૦ લાખ ટિકિટનું વેચાણ થતું હતું. અમેરિકાનાં ૪૨ રાજ્યોમાં આ લૉટરી વેચાઈ હતી. પત્રકારો સાથે વાત કરતાં સિન્ડીએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે ‘અમે હજી પણ નૉર્મલ માણસો જ છીએ. ફરક માત્ર એટલો છે કે હવે અમારી પાસે નાણાં છે.’

લૉટરી જીત્યા બાદ આ દંપતીની ક્રિસમસ સુધરી ગઈ છે. તેમણે પરિવારના તમામ સભ્યો સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે એટલું જ નહીં; બન્નેએ ત્રણ પુત્રો, દત્તક લીધેલી દીકરી તથા પરિવારનાં અન્ય બાળકોનું બૅન્ક-એકાઉન્ટ ખોલાવીને તેમના અભ્યાસ માટે ચોક્કસ રકમ જમા કરવાનો સમજદારીભર્યો નિર્ણય પણ કર્યો છે.