ભૂલથી મિસ કોલમ્બિયા બે મિનિટ માટે બની ગઈ મિસ યુનિવર્સ

22 December, 2015 03:23 AM IST  | 

ભૂલથી મિસ કોલમ્બિયા બે મિનિટ માટે બની ગઈ મિસ યુનિવર્સ


પહેલાં મિસ કોલમ્બિયાને તાજ પહેરાવવામાં આવ્યો.


પણ પછી ભૂલની ખબર પડતાં તેના માથેથી તાજ ઉતારી લેવાયો.


ત્યાર પછી તાજ રિયલ વિનર મિસ ફિલિપીન્સના માથે ગોઠવી દેવાયો.


રડમસ થઈ ગયેલી મિસ કોલમ્બિયાને બીજી સુંદરીઓએ સાંત્વન આપ્યું હતું.


તમે દર્શકો અને સહસ્પર્ધકોની શુભેચ્છાઓનું હાથ હલાવીને અભિવાદન કરો છો. ત્યાં જ અનાઉન્સર બોલે કે સૉરી, વિનરનું નામ ભૂલથી ખોટું લેવાઈ ગયું છે તો શું થાય? આવું જ કંઈક રવિવારે રાતે અમેરિકાના લાસ વેગસમાં યોજાયેલી મિસ યુનિવર્સની સ્પર્ધામાં થયું. હજારો દર્શકો અને લાઇવ ટીવીમાં અનાઉન્સરે આવો જ બફાટ કરતાં મિસ કોલમ્બિયાના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. હકીકતમાં મિસ કોલમ્બિયા ફર્સ્ટ રનર-અપ હતી, પણ અનાઉન્સરે તેનું નામ ફાઇનલ વિનર તરીકે જાહેર કરી દીધું. તેની તાજપોશી પણ થઈ ગઈ. બધાએ શુભેચ્છાઓ આપવી શરૂ કરી દીધી અને પછી અનાઉન્સરને ટ્યુબલાઇટ થઈ કે કાચું કપાઈ ગયું છે. તરત જ તેણે પોતાની ભૂલ સુધારી અને સૌની માફી માગીને સાચી વિનરનું નામ ઘોષિત કર્યું. મિસ કોલમ્બિયાને પહેરાવાયેલા તાજ અને સૅશ બન્ને કાઢીને સાચી વિજેતા મિસ ફિલિપીન્સને પહેરાવવામાં આવ્યા. એ ક્ષણે બન્ને સુંદરીઓ લગભગ સ્તબ્ધ હતી. મિસ કોલમ્બિયા ક્ષોભ અને આઘાતથી તેમ જ મિસ ફિલિપીન્સ આશ્ચર્યથી. તાજ છીનવાઈ ગયા પછી મિસ કોલમ્બિયા રડી પડી હતી અને બીજી સ્પર્ધકોએ આવીને તેને સધિયારો આપવાની કોશિશ કરી હતી. કદાચ બન્ને દેશની સુંદરીઓ આ ઘટનાને કદી નહીં ભૂલી શકે.