રાજસ્થાનમાં એન્જિન વગર ૧૪ કોચની ટ્રેન ૨૦ કિલોમીટર દોડી

26 March, 2013 03:06 AM IST  | 

રાજસ્થાનમાં એન્જિન વગર ૧૪ કોચની ટ્રેન ૨૦ કિલોમીટર દોડી



રાજસ્થાનમાં ગઈ કાલે જે ઘટના બની હતી એ પછી કોઈ પણ વ્યક્તિ ટ્રેનમાં બેસતાં બે ઘડી વિચાર કરશે. બાડમેરમાં ગઈ કાલે ગુવાહાટી ટ્રેનના ૧૪ કોચ એન્જિન વિના જ દોડવા લાગ્યા હતા. આ રીતે ટ્રેન બે-પાંચ નહીં, વીસ કિલોમીટર સુધી દોડતી રહી હતી. એ વખતે ટ્રેનમાં અનેક પૅસેન્જરો પણ સવાર હતા. આ વાતની જાણ થયા બાદ કેટલાક પૅસેન્જરોએ ચેઇન ખેંચીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ એન્જિન કે ડ્રાઇવર ન હોવાથી ટ્રેન થોભી નહોતી. બાદમાં વીસ કિલોમીટર પછી ટ્રેન આપમેળે જ ઊભી રહેતાં લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.

શૉકિંગ વાત એ છે કે આ ટ્રેન એન્જિન કે ડ્રાઇવર વિના દોડી રહી હતી ત્યારે સામેથી કાલકા એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી.

જોકે સદ્ભાગ્યે અકસ્માત પહેલાં આ ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. બાદમાં રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઢાળ હોવાને કારણે ટ્રેન આપમેળે દોડવા લાગી હતી.