30 August, 2025 07:51 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
બુધવારે અમેરિકાની એક કૅથલિક ચર્ચ-સ્કૂલમાં ૨૩ વર્ષના રૉબિન વેસ્ટમૅને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં.
બુધવારે અમેરિકાના મિનીઆપોલિસમાં એક કૅથલિક ચર્ચ-સ્કૂલમાં બેફામ ગોળીબાર થયો હતો. હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી હતી. આ હુમલામાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામનારાં બે બાળકો ૮ અને ૧૦ વર્ષનાં હતાં. ગોળીબાર કરનારા હત્યારાની ઓળખ રૉબિન વેસ્ટમૅન તરીકે થઈ હતી, જે પોતાને પુરુષ નહીં પણ સ્ત્રી તરીકે ઓળખાવતો હતો અને સત્તાવાર રીતે તેણે પોતાનું નામ રૉબર્ટથી બદલીને રૉબિન કરી નાખ્યું હતું.
બુધવારની ઘટના પછી તેના કેટલાક વિડિયો પણ સામે આવ્યા હતા. આ વિડિયોમાં રૉબિન પોતાનાં હથિયારો બતાવે છે. આ તમામ હથિયારો પર ધમકી અને નફરતભર્યા સંદેશાઓ લખેલા છે. તેની બંદૂક, ગોળી, બારુદ સહિતનાં હથિયારો પર ‘ભારત પર પરમાણુ-હુમલો કરો’, ‘ઇઝરાયલનું પતન થશે’, ‘ઇઝરાયલને બાળી નાખો’ અને ‘ટ્રમ્પને મારી નાખો’ જેવા સંદેશા જોવા મળ્યા હતા.