અમેરિકી ઍરલાઇન્સો ભોજનની સાથે ઉંદર, કીડી અને કૉક્રૉચ પણ પીરસે છે

22 November, 2012 03:05 AM IST  | 

અમેરિકી ઍરલાઇન્સો ભોજનની સાથે ઉંદર, કીડી અને કૉક્રૉચ પણ પીરસે છે



અમેરિકાની ઍરલાઇન્સોમાં પીરસાતા ભોજનમાં કેટલી હદે બેદરકારી રાખવામાં આવે છે તેનો ઘટસ્ફોટ હમણાં જ થયો છે. અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ સ્વીકાર્યું હતું કે દેશની અનેક ઍરલાઇન્સોમાં પીરસાતા ભોજનમાંથી ઉંદર, કીડીઓ, કૉક્રૉચ સહિતના જીવજંતુઓ મળી આવ્યા છે. ભારતના માહિતી મેળવવાના અધિકાર જેવો જ અમેરિકી કાયદો ફ્રીડમ ઑફ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ માગવામાં આવેલી માહિતીમાં આ હકીકત બહાર આવી હતી.

એફડીએ દ્વારા છેલ્લાં થોડાં વર્ષોમાં કરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં જુદી-જુદી ઍરલાઇન્સોના દાવાની પોલી ખૂલી હતી. શૉકિંગ હકીકત એ છે કે છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન કરવામાં આવેલા આવા ઇન્સ્પેક્શનમાં વિમાનમાં પીરસાતા ભોજનમાં નિયમોનો ભંગ થયો હોય એવી ૧૫૦૦ ઘટનાઓ બહાર આવી હતી.

અન્ય એક ચોંકાવનારી હકીકત એ પણ છે કે એફડીએ દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં અન્ય ઇન્ડસ્ટ્રીઝની સરખામણીએ એવિયેશન સેક્ટરમાં નિયમોનો ભંગ થયો હોય એવી ઘટનાઓનું પ્રમાણ વધારે છે. અમેરિકન ઍરલાઇન્સોમાં ભોજન પૂરું પાડવામાં એલએસજી સ્ક્ાય શેફ નામની કંપની સૌથી આગળ પડતી છે. આ કંપનીના લંચ પૅકનાં સૅમ્પલોમાંથી કીડીઓ, જીવતા અને મરેલા જંતુઓ અને કૉક્રૉચ મળી આવ્યા હતા. હમણાં જ અમેરિકાની અગ્રણી ડેલ્ટા ઍરલાઇન્સના પ્લેનમાં પીરસાયેલા ભોજનમાંથી ઉંદર મળી આવ્યો હતો. ઍરલાઇન્સે જોકે આવી ઘટના ક્યારેક જ બનતી હોય છે એમ કહીને પોતાનો બચાવ કર્યો હતો.