થ્રેડ્સના માત્ર સાત કલાકમાં એક કરોડ યુઝર્સ, પણ ટ્‌વિટરને બીટ કરી શકશે?

07 July, 2023 10:42 AM IST  |  San Francisco | Gujarati Mid-day Correspondent

ટ્‌વિટરનું ફોકસ ન્યુઝને સંબંધિત કન્ટેન્ટ પૂરી પાડવાનું અને કરન્ટ અફેર્સ, પૉલિટિક્સ અને અન્ય મહત્ત્વના ટૉપિક્સ પર ચર્ચા જગાવવાનું છે; જ્યારે ઇન્સ્ટાગ્રામ મુખ્યત્વે વિઝ્યુઅલ પ્લૅટફૉર્મ છે એટલે જ મેટા ટ‍્વિટરને બીટ કરે એ મુશ્કેલ છે

ઇલૉન મસ્ક અને માર્ક ઝકરબર્ગ

મેટાના નવા પ્લૅટફૉર્મ થ્રેડ્સ ટ‍્વિટરનો મુકાબલો કરવા માટે ઇન્ટરનેટના મેદાનમાં આવી ગયું છે. ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યાને માત્ર સાત કલાકમાં એક કરોડ લોકો એના પર રજિસ્ટર થયા હતા અને તેમનું અકાઉન્ટ્સ શરૂ કરાવ્યું હતું. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગઈ કાલે પહેલાં પોસ્ટ કર્યું હતું કે ‘પહેલાં બે કલાકમાં જ થ્રેડ્સના યુઝર્સની સંખ્યા વીસ લાખને પાર થઈ ગઈ છે.’ એ પછી તેમણે અપડેટ સાથે પોસ્ટ કર્યું હતું કે ‘પહેલાં ચાર કલાકમાં યુઝર્સની સંખ્યા જસ્ટ પચાસ લાખને પાર થઈ ગઈ છે.’
સૌથી મોટો સવાલ એ છે કે થ્રેડ્સ ટ‍્વિટરને પછાડી શકશે? આ બાબતે મિક્સ્ડ અભિપ્રાય મળી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે ઇન્સ્ટાગ્રામ સાથે એની લિન્કને કારણે એને રેડી યુઝર બેઝ મળી જાય છે. જે એક ઍડ્વાન્ટેજ છે. બીજી તરફ ઇલૉન મસ્ક અને ટ‍્વિટરના નવા સીઈઓ લિન્દા યકરિનો ટ‍્વિટરને પ્રૉફિટેબલ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કેટલાક લોકો ફીલ કરી રહ્યા છે કે ટ‍્વિટરનું ફોકસ ન્યુઝને સંબંધિત કન્ટેન્ટ પૂરું પાડવાનું અને કરન્ટ અફેર્સ, પૉલિટિક્સ અને અન્ય મહત્ત્વના ટૉપિક્સ પર ચર્ચા જગાવવાનું છે. બીજી તરફ ઇન્સ્ટાગ્રામ મુખ્યત્વે વિઝ્યુઅલ પ્લૅટફૉર્મ છે. એટલે જ મેટા ટ્વિટરને બીટ કરે એ મુશ્કેલ છે. 

થ્રેડ્સ કેવી રીતે કામ કરે છે?

થ્રેડ્સમાં તમે તમારા ઇન્સ્ટાગ્રામ લૉગ-ઇનનો ઉપયોગ કરીને સાઇનઅપ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર તમે જે પણ અકાઉન્ટ્સને ફૉલો કરતા હોય એ તમામ જોડાતાં જ એમને થ્રેડ્સ પર પણ ઑટોમૅટિકલી ફૉલો કરી શકશો. 
તમે ઇમેજિસ સહિત ૫૦૦ કૅરૅક્ટર્સ સુધીની પોસ્ટ મોકલી શકશો. પાંચ મિનિટ સુધીની લંબાઈવાળા વિડિયો પણ પોસ્ટ કરી શકશો. 

શું હું ડીએમ મોકલી શકીશ?

અત્યારે અન્ય યુઝર્સને તમે ડાયરેક્ટ મેસેજ નહીં મોકલી શકો. કદાચ કેટલાક લોકો માટે આ રાહતની વાત છે. 

થ્રેડ્સ પર ઍડ્સ હશે?

મેટાએ સંકેત આપ્યો છે કે આ વર્ષે એ થ્રેડ્સ પર ઍડ્વર્ટાઇઝમેન્ટથી રેવન્યુ જનરેટ નહીં કરે, પરંતુ ભવિષ્યમાં ઍડ્સ માટે એણે દરવાજા ખુલ્લા રાખ્યા છે.

ઇલૉન મસ્કે ઉડાડી થ્રેડ્સ ઍપની મજાક

ટ‍્વિટરને ટક્કર આપવા મેટા કંપનીએ ‘થ્રેડ્સ’ નામની ઍપ ગઈ કાલે લૉન્ચ કરી હતી. આમ અબજોપતિ માર્ક ઝકરબર્ગ અને ઇલૉન મસ્ક વચ્ચેની દુશ્મનાવટ વધુ આકરી બની છે. થ્રેડ્સ પર લોકો ટૅક્સ્ટ અને લિન્ક પોસ્ટ કરી શકે છે અને અન્ય લોકોના સંદેશનો જવાબ આપી શકે છે. થ્રેડ્સ ઇલૉન મસ્કની માલિકીની ટ્વિટર માટે સૌથી મોટો પડકાર છે. ટ્વિટરે ભૂતકાળમાં અનેક સ્પર્ધાઓ જોઈ હતી છતાં એનું સ્થાન યથાવત્ રહ્યું છે. 
મસ્કે થ્રેડ્સ વિશે પ્રતિક્રિયા આપતાં એને ટ્વિટરની પ્રતિકૃતિ ગણાવી હતી. એક ટ્વીટ હતું જેમાં જણાવાયું હતું કે ટ્વિટરની કૉપી પેસ્ટ કરીને થ્રેડ્સ બનાવવામાં આવ્યું છે. આ ટ્વીટના જવાબમાં મસ્કે હસતા ચહેરાનું ઇમોજી મૂક્યું હતું. અન્ય એક ટ્વીટમાં મસ્કે કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર ખોટો આનંદ બતાવવાને બદલે ટ્વિટર પર અજાણ્યા લોકોના હુમલાનો સામનો કરવો વધુ સારો છે. દરમ્યાન થ્રેડ્સ લૉન્ચ કર્યા બાદ મેટા કંપનીના માલિક ઝકરબર્ગે એકસરખા સ્પાઇડરમૅનનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટો ૧૯૬૭ના સ્પાઇડરમૅન કાર્ટૂન ડબલ આઇડેન્ટિટીની છે, જેમાં એક વિલન હીરોની નકલ કરવાનો પ્રયાસ કરે છે.

mark zuckerberg twitter elon musk international news san francisco