✕

હવે ટીવીની મોટી સ્ક્રીન પર માણી શકાશે રીલ્સ

29 November, 2026 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટાએ ભારતમાં ઇન્સ્ટાગ્રામ ફૉર ટીવી ઍપ લૉન્ચ કરવાની જાહેરાત કરી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મેટાએ ભારતમાં ‘ઇન્સ્ટાગ્રામ ફૉર ટીવી’ ઍપ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે જેના દ્વારા યુઝર્સ હવે ટીવીની મોટી સ્ક્રીન પર રીલ્સ, સ્ટોરીઝ અને કન્ટેન્ટ જોઈ શકશે. મુંબઈમાં યોજાયેલી મેટાની વાર્ષિક ક્રીએટર ઇવેન્ટ ‘હાઉસ ઑફ ઇન્સ્ટાગ્રામ’માં આ જાહેરાત કરવામાં આવી હતી. આ ઍપ આગામી દિવસોમાં ભારતના સપોર્ટેડ ઍપલ ટીવી, ઍમૅઝૉન ફાયર ટીવી અને ગૂગલ ટીવી ડિવાઇસ પર ઉપલબ્ધ થશે; જોકે એના રોલઆઉટની તારીખ હજુ જાહેર નથી થઈ.

ભારતમાં આ વર્ઝન મુખ્યત્વે રીલ્સ અને સ્ટોરીઝ પર કેન્દ્રિત રહેશે જેથી યુઝર્સ ફોનમાં સ્ક્રોલ કર્યા વિના વાઇડસ્ક્રીન ફૉર્મેટમાં હૉરિઝૉન્ટલ વિડિયો, ફોટો, કૅરઝલ અને ક્રીએટર પ્રોફાઇલ જોઈ શકશે. મેટાએ એમાં પાંચ મુખ્ય ફીચર્સ રજૂ કર્યાં હતા. એમાં પર્સનલાઇઝ્ડ રીલ્સ ચૅનલ સામેલ છે જે યુઝર્સની રુચિ, પૉપ્યુલર કન્ટેન્ટ અને ફૉલો કરાયેલાં અકાઉન્ટ્સ મુજબ વિડિયો દેખાડશે. 
આ ઉપરાંત ઑટોમૅટિક પ્લેબૅકને કારણે મૅન્યુઅલ સ્ક્રોલિંગ વિના રીલ્સ આપમેળે ચાલશે અને રિમોટથી સર્ચ તથા નૅવિગેશન થઈ શકશે. એક જ વાઇ-ફાઇ નેટવર્ક દ્વારા સ્માર્ટફોનથી સીધું ટીવી પર કન્ટેન્ટ કાસ્ટ કરી શકાશે, જ્યારે ‘ફ્રેન્ડ્સ ટૅબ’માં મિત્રોની પોસ્ટ અને વૉચિંગ ઍક્ટિવિટી એક જ જગ્યાએ દેખાશે. ઇન્સ્ટાગ્રામને સ્માર્ટફોનથી આગળ વધારીને પરિવાર અને મિત્રો સાથેના સહિયારા અનુભવમાં બદલવાનો મેટાનો ઉદ્દેશ છે.

meta instagram technology news television news mumbai app feature apple amazon google social media news mumbai news