હજી બોલી કે ચાલી પણ ન શકતાં નવ મહિનાનાં ટ્વિન્સ સ્વિમિંગ કરી શકે છે

31 December, 2012 03:36 AM IST  | 

હજી બોલી કે ચાલી પણ ન શકતાં નવ મહિનાનાં ટ્વિન્સ સ્વિમિંગ કરી શકે છે


તેમની આ અસામાન્ય ખાસિયતે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બ્રિટન ગ્લુસેસ્ટરશૉ કાઉન્ટીમાં રહેતાં વિલિયમ અને એલેનીતા ટ્રાઇકશ નામનાં આ ટ્વિન્સ હજી સરખી રીતે બોલી કે ચાલી પણ શકતાં નથી, પણ જ્યારે સ્વિમિંગ-પૂલમાં પ્રવેશે છે ત્યારે તેઓ મસ્તીથી સ્વિમ કરવા માંડે છે. તેમની આ કાબેલિયત પાછળનું એક કારણ કદાચ એ પણ હોઈ શકે કે તેમની મમ્મી શૅરલટ ટ્રાઇકશ ભૂતકાળમાં સ્વિમિંગ-કોચ રહી ચૂકી છે. આ ટ્વિન્સના પિતા વિક્ટરે અત્યારથી જ તેમને ઑલિમ્પિક્સ માટે તૈયાર કરવાનું નક્કી કરી લીધું છે.

રસપ્રદ વાત એ છે કે આ ટ્વિન્સની છ અઠવાડિયાં વહેલી સિઝેરિયન ઑપરેશન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. ઑક્ટોબર મહિનામાં આ ફૅમિલી વેકેશન માણવા સાયપ્રસ ગયું હતું ત્યારે તેમને ટ્વિન્સની સ્વિમિંગની ખાસિયતની ખબર પડી હતી. બ્રિટન પાછા આવ્યા બાદ શૅરલટ તેમને લોકલ સ્વિમિંગ-પૂલમાં લઈ ગઈ હતી, જ્યાં આ બન્ને ટેણિયાંઓએ કોઈની પણ મદદ લીધા વિના જાતે જ સ્વિમિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. મૂળ ફ્રાન્સની વતની શૅરલટનું કહેવું છે કે પહેલા દિવસે તેઓ પાંચ મીટર તયાર઼્ હતાં. એ પછી સાત મીટર અને અત્યારે તેઓ બાર મીટર સુધી આસાનીથી તરી શકે છે. શૅરલટ ફ્રાન્સમાં રહેતી તેની મમ્મીને મળવા ગઈ હતી ત્યારે અચાનક પેઇન શરૂ થતાં સિઝેરિયન ઑપરેશન દ્વારા બાળકોની ઇમર્જન્સી ડિલિવરી કરવામાં આવી હતી. ત્યારે તેને કલ્પના પણ નહોતી કે વહેલાં આવી ગયેલાં આ બન્ને સંતાનો એટલી જલદી સ્વિમિંગ પણ શીખી જશે.