આ માણસને મોઢું ઢાંકવા રૂમાલની જરૂર નથી પડતી

30 July, 2012 05:47 AM IST  | 

આ માણસને મોઢું ઢાંકવા રૂમાલની જરૂર નથી પડતી

બ્રિટનમાં એક વ્યક્તિની ચામડી એટલી હદે લૂઝ છે કે તે તેનાથી પોતાનું મોઢું પણ ઢાંકી શકે છે. ૪૧ વર્ષના ગૅરી ટર્નરને વિશ્વમાં સૌથી લૂઝ સ્કિન ધરાવતી વ્યક્તિ માનવામાં આવે છે. તે પોતાના પેટની ચામડીને ટેબલ પર પાથરી શકે છે. વિચિત્ર સ્કિન પાછળનું કારણ તેને થયેલી વિચિત્ર બીમારી છે. ગૅરી ટર્નર બહુ ઓછા લોકોમાં જોવા મળે એવા એહલર્સ-ડેનલોસ સિન્ડ્રૉમ નામે ઓળખાતી બીમારી ધરાવે છે. આ બીમારીને કારણે તેની સ્કિન સાવ નબળી પડી ગઈ છે. આ બીમારીને કારણે શરીરના જૉઇન્ટ્સ નબળા પડી જાય છે તથા રક્તશિરાઓને નુકસાન પહોંચે છે. સરેરાશ લોકોની સ્કિન કરતાં તેની સ્કિન બમણી પાતળી થઈ ગઈ છે.

અગાઉ એક સરકસમાં કામ કરતા ટર્નરને જોકે તેની આ વિચિત્ર બીમારી ઘણી કામ લાગી છે. અત્યારે તે રૉયલ ફૅમિલી ઑફ સ્ટ્રેન્જ પીપલ નામના ગ્રુપનો મેમ્બર છે. આ ગ્રુપમાં ટર્નર જેવા વિચિત્રતાઓ ધરાવતા માણસો છે. લંડનમાં આ ગ્રુપના સભ્યો સમયાંતરે પર્ફોર્મ કરે છે અને તેમની સાથે ગૅરી પણ પોતાની વિચિત્ર સ્કિનના પર્ફોર્મન્સ આપે છે.