મે-ડે...: ચીન, બ્રાઝિલ, અમેરિકા, કૅમરૂનમાં ઍૅર ક્રાઇસિસ

13 May, 2022 08:40 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

આ ચાર દેશોમાં વિમાન અકસ્માતની ઘટનાઓથી મે-ડેેનું ડિસ્ટ્રેસ રેડિયો સિગ્નલ આપવું પડે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી

ગઈ કાલે ચોંગકિંગ સિટીમાં ચીનની તિબેટ ઍરલાઇન્સના વિમાનમાં રનવે પર જ આગ લાગ્યા બાદ એમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા (તસવીર : પી.ટી.આઇ.)

ચીનમાં પ્લેન રનવે પરથી લપસી જતાં આગ લાગી, ૪૦ને ઈજા

ચીનના ચોંગકિંગ સિટીમાં ગઈ કાલે તિબેટ ઍરલાઇન્સનું એક પ્લેન રનવે પરથી લપસી જતાં એમાં આગ લાગી હતી. આ ઍરલાઇને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે તમામ ૧૧૩ પૅસેન્જર્સ અને નવ ક્રૂ મેમ્બર્સને સુર​ક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે ૪૦થી વધુ પૅસેન્જર્સને સામાન્ય ઈજા થઈ છે. તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. સીએએસી (સિવિલ એવિએશન ઍડ્મિનિસ્ટ્રેશન ઑફ ચાઇના)એ જણાવ્યું હતું કે ૩૬ જણને બચાવ કામગીરી દરમ્યાન ઉઝરડા અને મચકોડની સમસ્યા થઈ છે. સીએએસીએ જણાવ્યું હતું કે ‘ફ્લાઇટ ક્રૂ અનુસાર ટેકઑફ દરમ્યાન તેમને કંઈક અસામાન્ય અનુભવ થયો હતો. તેમણે પ્રોસીજર્સને અનુસરીને ટેકઑફ અટકાવી દીધું હતું. રનવે પરથી પ્લેન લપસી ગયા બાદ એન્જિન ગ્રાઉન્ડની સાથે ટકરાયું અને આગ લાગી હતી. આગને બુઝાવી દેવામાં આવી છે.’ આ ફ્લાઇટ તિબેટમાં નયીંગચી જઈ રહી હતી. ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલાં ફુટેજમાં જોવા મળ્યું હતું કે આ વિમાનનો આગળનો ભાગ જ્વાળાઓમાં ખાખ થઈ ગયો હતો અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. આ ઍક્સિડન્ટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ ઍરપોર્ટ પર અન્ય ફ્લાઇટ્સને નૉર્મલ રીતે હવે સંચાલિત કરવામાં આવી રહી છે. ફ્લાઇટ શેડ્યુલમાં જોવા મળે છે કે આ વિમાન ઍરબસ એ૩૧૯ છે અને છેલ્લાં સાડાનવ વર્ષથી આ ઍરલાઇનની પાસે હતું. નોંધપાત્ર છે કે હજી બે મહિના કરતાં પણ ઓછા સમય પહેલાં ચાઇના ઈસ્ટર્ન ઍરલાઇન્સનું ૧૩૨ લોકોને લઈને જતું વિમાન દ​ક્ષિણ ચીનના ગુઆંગશી પ્રાંતમાં પર્વતીય વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ વિમાનમાં સવાર તમામ લોકોનાં મોત થયાં હતાં. ઑથોરિટીઝ હજી આ ક્રૅશના કારણની તપાસ કરી રહી છે. 

કૅમરૂનમાં ૧૧ લોકોને લઈને જતું પ્લેન જંગલમાં તૂટી પડ્યું

આફ્રિકન દેશ કૅમરૂનમાં બુધવારે ૧૧ લોકોને લઈને જતું એક વિમાન જંગલમાં તૂટી પડ્યું હતું. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ગઈ કાલે આ જાણકારી આપી હતી. ઍર ટ્રાફિક કન્ટ્રોલર્સે આ વિમાનની સાથેનો રેડિયો કૉન્ટૅક્ટ ગુમાવ્યો હતો. આ વિમાન બાદમાં રાજધાની યૌંદેથી લગભગ ૧૫૦ કિલોમીટરના અંતરે નનગા ઇબોકો પાસે જંગલમાં હોવાની જાણકારી મળી હતી. ટ્રાન્સપોર્ટ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પ્લેન ક્રૅશ થયું છે અને બચાવકર્તાઓ હજી એ ચકાસી રહ્યા છે કે આ પ્લેનમાંથી કોઈને પણ બચાવવા શક્ય છે કે નહીં. આ પ્લેનને પ્રાઇવેટ કંપની કૅમરૂન ઑઇલ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા હાયર કરવામાં આવ્યું હતું. આ કંપની કૅમરૂન અને પાડોશી ચૅડની વચ્ચેની હાઇડ્રોકાર્બન પાઇપલાઇનના મેઇન્ટેનન્સની કામગીરી કરે છે. હજી સુધી આ વિમાન કેવા પ્રકારનું હતું એની જાણકારી જાહેર કરવામાં આવી નથી. આ વિમાને યૌંદે-નસીમલેન ઍરપોર્ટ પરથી બેલાબો જવા માટે ઉડાન ભરી હતી. 

અધવચ્ચે પાઇલટ થયો બીમાર, પૅસેન્જરે કોઈ અનુભવ વિના પ્લેનને સુરક્ષિત રીતે લૅન્ડ કરાવ્યું

હીરો કોઈ જાતના અનુભવ વિના એ બધું જ કરી જાય છે કે જેની કોઈને કલ્પના કે અપેક્ષા હોતી નથી. આવી ઘટનાઓ મોટા ભાગે ફિલ્મોમાં જ જોવા મળતી હોય છે. હવે આવો જ એક કિસ્સો રિયલમાં બન્યો છે, જેમાં એક પૅસેન્જરે તાજેતરમાં કોઈ અનુભવ વિના એક પ્લેનને સુરક્ષિત રીતે લૅન્ડ કરાવ્યું હતું. પ્લેન ઑપરેટ કરવાના કોઈ જાતના અનુભવ વિના આ પૅસેન્જરે પાઇલટ બીમાર થયા પછી ફ્લૉરિડામાં એક નાનકડા પ્લેનને સુરિક્ષત રીતે લૅન્ડ કરાવ્યું હતું. પાઇલટ ખૂબ જ બીમાર હોવાની જાણ થતાં જ આ પૅસેન્જરે કોકપીટ રેડિયોનો ઉપયોગ કરીને ઍર ટ્રાફિક કન્ટ્રોલરને જણાવ્યું હતું કે ‘મારો પાઇલટ બીમાર થઈ ગયો છે. મને નથી ખબર કે પ્લેન કેવી રીતે ઑપરેટ કરવું.’ ઍર ટ્રાફિક કન્ટ્રોલરે તેને પૂછ્યું કે શું તે સિંગલ-એન્જિન સેસના ૨૮૦ની પૉઝિશન જણાવી શકે છે. પૅસેન્જરે જણાવ્યું હતું કે મને કોઈ આઇડિયા નથી. હું મારી આગળ ફ્લૉરિડાનો કાંઠો જોઈ શકું છું. ફેડરલ એવિએશન ઍડ્મિનિસ્ટ્રેશનના એક સ્ટેટમેન્ટ અનુસાર આ પ્લેનમાં એક પાઇલટ અને બે પૅસેન્જર્સ હતા. આખરે ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા ઍર ટ્રાફિક કન્ટ્રોલર રોબર્ટ મૉર્ગનના ગાઇડન્સથી આ પૅસેન્જર પ્લેનનું સેફ લૅન્ડિંગ કરાવી શક્યો હતો. 

બ્રાઝિલમાં સ્કાયડાઇવર્સને લઈને જતું પ્લેન ક્રૅશ થતાં બેનાં મોત, ૧૪ને ઈજા

બ્રાઝિલના બોઇતુવા શહેરમાં બુધવારે એક વિમાન ક્રૅશ થતાં ઓછામાં ઓછા બે જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૪ જણને ઈજા થઈ હતી. સ્કાયડાઇવર્સને લઈને આ વિમાને બોઇતુવામાં નૅશનલ સ્કાયડાઇવિંગ સેન્ટર પરથી ઉડાન ભર્યા બાદ ઇમર્જન્સી લૅન્ડિંગમાં ગ્રાઉન્ડ પર તૂટી પડ્યું હતું. બોઇતુવાના મેયરની ઑફિસના એક સ્ટેટમેન્ટ અનુસાર આ પ્લેનમાં એક પાઇલટ અને ૧૫ સ્કાયડાઇવર્સ હતા. બોઇતુવાના મેયર એડસન મરકુસ્સોએ જણાવ્યું હતું કે ‘બોઇતુવાના સ્કાયડાઇવિંગનાં ૫૦ વર્ષના ઇતિહાસમાં નૅશનલ સ્કાયડાઇવિંગ સેન્ટર ખાતે આ પહેલું પ્લેન ક્રૅશ છે. આ ખૂબ જ દુઃખદ દિવસ છે.’

international news