ઝકરબર્ગ અને ઓબામા દર વખતે એકનાં એક કપડાંમાં કેમ દેખાય છે?

11 November, 2014 03:47 AM IST  | 

ઝકરબર્ગ અને ઓબામા દર વખતે એકનાં એક કપડાંમાં કેમ દેખાય છે?



થોડા સમય પહેલાં એક ઇવેન્ટમાં ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર માર્ક ઝકરબર્ગને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે લગભગ તમામ જાહેર કાર્યક્રમોમાં કૉલર વગરનું ગ્રે કલરનું ટી-શર્ટ જ કેમ પહેરો છો? સોશ્યલ મીડિયા વલ્ર્ડની આ શક્તિશાળી વ્યક્તિએ જવાબ વાળ્યો હતો કે ‘જો હું કપડાં અને એના કલર્સની પસંદગી કરવા બેસું તો સમય વેડફાય. એથી એક જ કલરનાં કપડાં જ પહેરું તો સમય બચે. મારા વૉર્ડરોબમાં આવાં એકસરખાં ૨૦ જેટલાં ટી-શર્ટ છે.’

માર્ક ઝકરબર્ગ જ નહીં, ઍપલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ પણ હંમેશાં બ્લૅક ટર્ટલનેકવાળું ટી-શર્ટ બ્લુ જીન્સ અને સ્નીકર્સમાં જ નજરે પડતા. એમ તો જગતકાજી અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા પણ હંમેશાં ગ્રે કે બ્લુ કલરના સૂટ જ પહેરે છે. ઓબામાએ એક ફૅશન-મૅગેઝિનના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા વૉર્ડરોબમાં માત્ર ગ્રે અને બ્લુ કલરના સૂટ જ રાખું છું, જેથી રોજેરોજ કલરની પસંદગીની કડાકૂટમાંથી છુટકારો મળે અને સમય બચે.