પિતાએ બનાવ્યો પુત્રને ચાલતો કરી આપતો રોબો

30 July, 2021 11:09 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ઉપકરણ પૅરાલેજિક્સને સામાન્ય રીતે ચાલતા કરવા માટે ઉપયોગમાં લેવાય છે

ઑસ્કર કૉન્સ્ટાન્ઝા

વન્ડરક્રાફ્ટ પર એક નાનો વિડિયો શૅર થયો છે, જેમાં પુત્ર ઑસ્કર મુક્તપણે ચાલી શકે એ માટે ફ્રાન્સમાં એક પિતાએ પુત્રના શરીર પર એન્ડોસ્કેલેટન જોડ્યો છે. ઑસ્કર કૉન્સ્ટાન્ઝા એક જેનેટિક ન્યુરોલૉજિકલ સમસ્યાથી પીડાય છે, જેને કારણે તેના મગજમાંથી નીકળતા સિગ્નલ પગ સુધી પહોંચતા નથી. પરિણામે ઑસ્કરના પિતા જીન-લુઈસ કૉન્સ્ટાન્ઝાએકે પહેરી શકે એવા એક ઉપકરણ પર તેમની એન્જિનિયરરિંગની વિશેષતાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપકરણ પૅરાલેજિક્સને સામાન્ય રીતે ચાલતા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. એન્ડોસ્કેલેટનની મદદથી હવે ઑસ્કર સરળતાથી ચાલી શકે છે. તેનું કહેવું છે કે પહેલાં મારે ચાલવા માટે કોઈકનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે હું સ્વતંત્રપણે ચાલી શકું છું. ઑસ્કરના પિતાનું કહેવું છે કે આ ઉપકરણ બનાવવાની પ્રેરણા તેમને તેના પુત્ર પાસેથી જ મળી હતી, જેણે તેમને રોબોટિક એન્જિનિયર હોવાનું યાદ કરાવીને પોતાને સ્વતંત્રપણે ચાલવામાં સહાય કરી શકે એવું ઉપકરણ તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે હાલમાં માત્ર હૉસ્પિટલોમાં જ ઉપયોગમાં લેવાતા આ ઉપકરણના ઉપયોગથી આવતાં ૧૦ વર્ષમાં કોઈને ચાલવાની સમસ્યા નહીં રહે. હાલમાં આ ઉપકરણની કિંમત ૧,૭૬,૦૦૦ અમેરિકી ડૉલર (લગભગ ૧.૩૧ કરોડ રૂપિયા) છે.

offbeat news international news