વિશ્વને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય તો એની શરૂઆત આપણાં બાળકોથી કરવી પડશે

11 December, 2014 05:48 AM IST  | 

વિશ્વને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય તો એની શરૂઆત આપણાં બાળકોથી કરવી પડશે



મુશ્કેલીગ્રસ્ત ભારતીય ઉપખંડમાં બાળકોના અધિકારોના ક્ષેત્રમાં નમૂનેદાર કામગીરી કરવા માટે આ બન્નેનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરસ્કાર સ્વીકાર્યા બાદ આ બન્ને વિજેતાઓએ વૈશ્વિક સદ્ભાવની લાગણીસભર અપીલ કરી હતી. નૉર્વેજિયન નોબેલ કમિટીના અધ્યક્ષ થુર્બજૉર્ન જાગલાન્ડે કહ્યું હતું કે ‘આલ્ફ્રેડ નોબેલે તેમના વિલમાં જેમને ચૅમ્પિયન ઑફ પીસ ગણાવ્યા હતા એ વ્યાખ્યા કૈલાશ સત્યાર્થી અને મલાલા યુસુફઝઈને સચોટ રીતે લાગુ પડે છે. એક છોકરી અને એક વૃદ્ધ, એક ભારતીય અને બીજી પાકિસ્તાની, એક મુસ્લિમ અને બીજો હિન્દુ. વિશ્વને આજે સૌથી વધુ એકતા તથા બંધુત્વની જરૂર છે અને આ બન્ને એનાં પ્રતીક છે.’

દુનિયા ગરીબ નથી

બાળકોના અધિકારો માટે ઝુંબેશ ચલાવવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની નોકરી છોડી ચૂકેલા ૬૦ વર્ષની વયના કૈલાશ સત્યાર્થીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ‘માત્ર એક સપ્તાહનો વૈશ્વિક લશ્કરી ખર્ચ આપણાં બાળકોને સ્કૂલમાં મોકલવા માટે પૂરતો હોય ત્યારે હું નથી માનતો કે દુનિયા ગરીબ છે. ગુલામીની સાંકળો સ્વાતંhયની ઝંખનાથી વધારે મજબૂત હોઈ શકે એ વાત સ્વીકારવા પણ હું તૈયાર નથી. આપણે વિશ્વને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય તો એની શરૂઆત આપણાં બાળકોથી કરવી પડશે.’

બધાં બાળકોનો પુરસ્કાર

બે વર્ષ પહેલાં તાલિબાનોએ કરેલા લગભગ જીવલેણ હુમલામાંથી ઊગરી ગયેલી ૧૭ વર્ષની વયની મલાલા યુસુફઝઈએ પોતાની સ્પીચમાં એવું કહ્યું હતું કે ‘મારી ઉંમર કરતાં બમણી વયથી બાળકોના અધિકારો માટે ઝુંબેશ ચલાવતા કૈલાશ સત્યાર્થી સાથે આ અવૉર્ડ મેળવતાં મને બહુ ખુશી થાય છે. આ પુરસ્કાર મારી એકલીનો નથી, પણ ભણવા ઇચ્છતાં કરોડો બાળકોનો પણ છે, વિશ્વમાં શાંતિ ઝંખતા બાળકોનો પણ છે, પરિવર્તન ઇચ્છતાં મૂક બાળકોનો પણ છે. બાળકો શિક્ષણથી વંચિત રહે એવું હવે બનવું ન જોઈએ.’

વડા પ્રધાનનાં અભિનંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૈલાશ સત્યાર્થી અને મલાલા યુસુફઝઈને નોબેલ પુરસ્કાર માટે અભિનંદન આપતાં એવું ટ્વીટ કર્યું હતું કે ‘ઑસ્લોમાં યોજાયેલો સમારંભ આખું રાષ્ટ્ર આનંદ અને બેહદ ગૌરવ સાથે નિહાળી રહ્યું છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ïત કરવા બદલ કૈલાશ સત્યાર્થી અને મલાલા યુસુફઝઈને અભિનંદન.’