લંડનમાં આવતા મહિને બાપુએ લખેલા દુર્લભ પત્રોની થશે હરાજી

19 November, 2012 07:19 AM IST  | 

લંડનમાં આવતા મહિને બાપુએ લખેલા દુર્લભ પત્રોની થશે હરાજી



રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લખેલા બે પત્રોની આવતા મહિને લંડનમાં હરાજી થશે. જાણીતા સૉધબીઝ ઑક્શન હાઉસ દ્વારા ૧૨ ડિસેમ્બરે ગાંધીજીના પત્રો સહિતની અનેક દુર્લભ ચીજવસ્તુઓની હરાજી કરવામાં આવશે. ગાંધીજીના જે બે પત્રોની હરાજી થશે એમાં તેમણે રવીન્દ્રનાથ ટાગોરના સૌથી મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથને લખેલો પત્ર પણ સામેલ છે. હરાજીમાં ભારતીય બંધારણની એક અલભ્ય નકલ માટે પણ બોલી લગાવવામાં આવશે.

ગાંધીજીએ ૧૯૨૨માં તેઓ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ હતા ત્યારે દ્વિજેન્દ્રનાથને પત્ર લખ્યો હતો. બે પેજનો આ પત્ર પેન્સિલથી લખાયેલો હતો. આ પત્ર અંદાજે ૭૦૦૦ પાઉન્ડ (આશરે ૬.૧૩ લાખ રૂપિયા)માં વેચાશે એવી શક્યતા છે. ગાંધીજીના જે અન્ય પત્રની હરાજી થવાની છે એ તેમણે એક અજ્ઞાત મિત્રને લખ્યો હતો. આ ઉપરાંત ભારતીય બંધારણની પહેલી આવૃત્તિની નકલ અંદાજે ૫૦૦૦ પાઉન્ડ (આશરે સવાચાર લાખ રૂપિયા)માં વેચાશે એવી શક્યતા છે.