ન્યુ યૉર્કમાં ગાંધીજીની પ્રતિમાની બે અઠવાડિયાંમાં બીજી વખત તોડફોડ

20 August, 2022 08:29 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ન્યુ યૉર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ આ બન્ને ઘટનાઓની સંભવિત હેટ ક્રાઇમ તરીકે તપાસ કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ન્યુ યૉર્કમાં એક હિન્દુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનો હથોડો મારીને નાશ કરવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં પણ આ પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી.

સીસીટીવી કૅમેરા ફુટેજમાં જોવા મળ્યું હતું કે મંગળવારે એક વ્યક્તિ ગાંધીજીની પ્રતિમા પર હથોડો મારતો હતો. એ પ્રતિમાને જમીનદોસ્ત કર્યા બાદ એના માથા પર પ્રહાર કર્યા હતા. થોડી મિનિટ્સમાં છ જણનું ગ્રુપ વારાફરતી આ પ્રતિમા પર હથોડો મારતું જોવા મળ્યું હતું.

સાઉથ રિચમોન્ડ હિલમાં શ્રી તુલસી મંદિરના સ્થાપક લખરામમહારાજે કહ્યું કે ‘આ હુમલાખોરોને આ રીતે અમને નિશાન બનાવતા જોવા એ ખૂબ દુખદ બાબત છે. હવે અનેક હિન્દુઓ આ મંદિરમાં આવતાં ડરે છે.’

મહારાજે બુધવારે સવારે આ પ્રતિમા કાટમાળમાં ફેરવાઈ ગઈ હોવાનું જોયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિરની સામે અને રસ્તા પર સ્પ્રેથી ‘ડૉગ’ શબ્દ પેઇન્ટ કરવામાં આવ્યો હતો. ગાંધીજીની આ જ પ્રતિમાની બે અઠવાડિયાં પહેલાં તોડફોડ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ન્યુ યૉર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ આ બન્ને ઘટનાઓની સંભવિત હેટ ક્રાઇમ તરીકે તપાસ કરી રહી છે.

ગાંધીજીના ફોટોને નુકસાન બદલ રાહુલ ગાંધીની ઑફિસના બે સ્ટાફ-મેમ્બર્સ સહિત ચારની ધરપકડ

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની કેરળના વાયનાડમાં ઑફિસના બે સ્ટાફ-મેમ્બર્સ સહિત ચાર વ્યક્તિઓની મહાત્મા ગાંધીના ફોટોને નુકસાન પહોંચાડવા બદલ ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. લગભગ બે મહિના પહેલાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ઍક્ટિવિસ્ટ્સ દ્વારા હિંસક દેખાવોમાં મહાત્મા ગાંધીના ફોટોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કૉન્ગ્રેસે આરોપ મૂક્યો હતો કે ૨૪ જૂને આ સંગઠનના ઍક્ટિવિસ્ટ્સ દ્વારા રાહુલની ઑફિસમાં તોડફોડ દરમ્યાન દીવાલ પર લટકાવવામાં આવેલા મહાત્મા ગાંધીના ફોટોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.   

international news new york