મોબાઇલ ફોન એટલે જંતુઓનું ઘર

15 October, 2011 07:25 PM IST  | 

મોબાઇલ ફોન એટલે જંતુઓનું ઘર



લંડનમાં વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કરેલા અભ્યાસમાં ૯૨ ટકા સેલ ફોનમાં જર્મ્સ હોવાનું જણાયું  છે

વૈજ્ઞાનિકોએ અભ્યાસ અંતર્ગત તારવ્યું હતું કે ૯૨ ટકા મોબાઇલ ઈ.કોલી, એમઆરએસએ અને બીજા હજાર જાતના સૂક્ષ્મ જંતુઓ વડે દૂષિત હોય છે.

મોબાઇલ પર રહેલા મોટા ભાગના બૅક્ટેરિયા બિનહાનિકારક હોય છે. દર છમાંથી એક સેલફોન પર ઈ.કોલી બૅક્ટેરિયા હોય છે. ગયા ઉનાળામાં જ ઈ.કોલી બૅક્ટેરિયાને કારણે સેંકડો લોકો ફૂડ-પૉઇઝનિંગનો ભોગ બન્યા હતા.

વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ અંતર્ગત ૧૨ શહેરના ૩૯૦ લોકોના હાથ અને મોબાઇલનું સંશોધન કર્યું હતું. આ દરમ્યાન તેમણે ૧૭ ટકા મોબાઇલ ફોનની બૉડી પર ઈ.કોલી બૅક્ટેરિયા હોવાનું નોંધ્યું હતું. ૨૫ ટકા મોબાઇલ પર સ્ટેફીલોકોક્સસ ઔરિયસ બૅક્ટેરિયા જોવા મળ્યા હતા. આ જીવાણુઓ સામાન્ય રીતે મોં, ચામડી અને નાક પર મળી આવે છે. એ હૉસ્પિટલમાં જોવા મળતા એમઆરએસએ સુપરબગ (ઍન્ટિબાયોટિક દવાની જેના પર કોઈ અસર ન થાય એવા જીવાણુઓ)માં પરિવર્તિત થઈ શકે છે. આથી જ દરદીઓ અને મુલાકાતીઓને હૉસ્પિટલમાં હાથ ધોવા પર ભાર મૂકવામાં આવે છે.

હાથ સ્વચ્છ રાખો

મુખ્ય વિજ્ઞાની વાલ કર્ટિસે કહ્યું હતું કે હાથ ધોવાની આદત ન ધરાવતા લોકોના હાથમાં રહેલા ગંદા બૅક્ટેરિયા મોબાઇલ પર ચોંટી જાય છે એટલે હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ. સર્વે દરમ્યાન ૯૨ ટકા મોબાઇલ પર તથા ૮૨ ટકા હાથ પર સ્વચ્છતા ન રાખવાની કુટેવને કારણે બૅક્ટેરિયા જોવા મળ્યા હતા. નિયમિત હાથ સ્વચ્છ રાખવાની ટેવ પાડવાથી આ સમસ્યા નિવારી શકાય છે.