હેમા માલિનીને સુંદર સાડીઓ આપે છે લતા મંગેશકર

17 October, 2014 03:47 AM IST  | 

હેમા માલિનીને સુંદર સાડીઓ આપે છે લતા મંગેશકર



હેમા માલિનીએ કેટલાંક અઠવાડિયાંના અવિરત પ્રવાસ પછી ગઈ કાલે તેમની ૬૬મી વરસગાંઠ સાદાઈથી તેમની મોટી પુત્રી એશા અને જમાઈ ભરત તખ્તાણી સાથે ઊજવી હતી.

અત્યારે મારે મારા મતવિસ્તાર મથુરામાં હોવું જોઈતું હતું એમ જણાવતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘હમણાં મારા માટે પ્રવાસ કરવો શક્ય નહોતો એથી મેં આ જન્મદિન કુટુંબ સાથે મુંબઈમાં ઊજવ્યો હતો. મારી નાની પુત્રી આહના જે દિલ્હીમાં રહે છે તે મથુરા મને મળવા આવવાની હતી. ધરમજી (ધર્મેન્દ્ર) અત્યારે ન્યુ ઝીલૅન્ડ છે એથી તેઓ મારા જન્મદિન વખતે હાજર નહોતા. ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં હું રમેશ સિપ્પીની ‘શિમલા મર્ચિ’ માટે બે દિવસ શૂટિંગ કરી રહી હતી. ત્યાર બાદ ત્રીજી ઑક્ટોબરે એક સમારંભમાં મારે કાનપુર જવું પડ્યું હતું. જોકે આયોજકોએ મારા માટે પ્રાઇવેટ જેટની વ્યવસ્થા કરી હતી. દિલ્હીથી હું કરવા ચોથ માટે ૧૧ ઑક્ટોબરે મુંબઈ આવી ગઈ. જન્મદિવસ માટે મારે મારા મતદારો સાથે રહેવાનું હતું, પણ હું તદ્દન થાકી ગઈ હોવાથી મેં મુંબઈમાં જ સાદાઈથી જન્મદિન ઊજવ્યો હતો.’

 હેમાએ વર્ષોથી પોતાને ચાહતા પ્રશંસકોનો આભાર માનતાં કહ્યું હતું કે ‘મને ખબર નથી કે લોકોએ મારામાં શું જોયું? પરંતુ મને ફિલ્મઉદ્યોગે અને મારા પ્રશંસકોએ માત્ર પ્રેમ અને માન આપ્યાં છે. હું મેં કરેલી ફિલ્મોને ઘણા પ્રેમથી જોઉં છું, ખાસ કરીને એક ફિલ્મનું નામ આપું તો એ ગુલઝારસાહેબની ‘મીરા’ છે. મેં આશા રાખી હતી કે લતા મંગેશકર ‘મીરા’નાં ગીતોને સૂર આપે. એ માટે મેં તેમને અંગત વિનંતી પણ કરી હતી, પરંતુ તેમની પાસે ‘મીરા’નાં ગીત ન ગાવાનાં પોતાનાં કારણો હતાં.’

જોકે એ વખતે સંબંધોમાં પેદા થયેલી કટુતા અત્યારે ભુલાઈ ચૂકી છે અને બન્ને એકમેકના પ્રશંસક છે. હેમાએ આગળ જણાવ્યું હતું કે ‘લતાજી મને સુંદર સાડીઓ ભેટ આપે છે. હું પણ તે ઘણા સમયથી તેમને એક સાડી ભેટ આપવા માગું છું, પણ તેમના માટે યોગ્ય ફૅબ્રિક અને ડિઝાઇન શોધવાનું અઘરું છે. જોકે આખરે મને એક સાડી મળી છે.’